ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં ૭ જિલ્લાના નવા ૧૨ કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો તેમજ આઇ.ટી.આઇ-ગીર ગઢડા અને આઇ.ટી.આઇ-પાવી જેતપુરના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ શ્રમ વિભાગ હેઠળની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય પણ વિતરણ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, તેને ત્રીજા સ્થાને લઇ જવા વડાપ્રધાનશ્રીએ આગામી ૨૫ વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ગુજરાતની સ્કિલ ઇકોસીસ્ટમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એક સમયે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં માત્ર ચાર કોર્ષ ચાલતા હતા, તેની જગ્યાએ આજે વિવિધ કૌશલ્યોમાં યુવાનોને તાલીમબદ્ધ કરવા ૫૦થી વધુ કોર્ષ ચાલી રહ્યા છે. આગામી ૨૫ વર્ષમાં ભારતમાં આવતા વિવિધ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા રાજ્ય સરકાર સમયાંતરે નવા કોર્ષનો પણ સમાવેશ કરશે.


આ પણ વાંચોઃ રાજ્યમાં પવનોની દિશા બદલાતાં તાપમાનમાં વધારો, આ શહેરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ


તેમણે ઉમેર્યું કે, રાજ્યના શ્રમીક પરિવારોને ખોરાક, આરોગ્ય, આવાસ, બાળકોનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ રાજ્ય સરકાર સુપેરે પૂરી પાડી રહી છે. શ્રમિક પરીવારોને માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ગુજરાતના ૧૭ જિલ્લામાં ૨૭૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આજે વધુ નવા ૧૨ કેન્દ્રોનો શુભારંભ થયો છે, જેથી વધુમાં વધુ શ્રમિકોને તેનો લાભ મળી શકે.


આ કાર્યક્રમ દરમિયાન ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી કરી હોય, પોતાના જીવના જોખમે અન્ય શ્રમિકોના જીવ બચાવ્યા હોય અથવા ઉદ્યોગની ઉત્પાદકતા અને ઉત્પાદનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય તેવા શ્રમિકોને મંત્રીના હસ્તે ૬૪ શ્રમિકોને રાજ્ય શ્રમ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૬ શ્રમિકોને રાજ્ય શ્રમરત્ન, ૧૬ શ્રમિકોને રાજ્ય શ્રમભૂષણ, ૧૬ શ્રમિકોને રાજ્ય શ્રમવીર તેમજ ૧૬ શ્રમિકોને રાજ્ય શ્રમશ્રી પારિતોષિક તેમજ કુલ રૂ. ૮,૮૦,૦૦૦ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.


વિશ્વના પાંચ દેશો પૈકી ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં સેમીકંડક્ટર ઉદ્યોગની સ્થાપના થઇ રહી છે. ત્યારે સેમીકંડક્ટર ઉદ્યોગને અનુરૂપ સ્કિલ્ડ મેનપાવર પૂરું પાડવા ગુજરાત સરકારે કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટીમાં નવા અભ્યાસક્રમો શરુ કર્યા છે. જે જગ્યાએ ઉદ્યોગોની સ્થાપના થઇ રહી છે, તે જ વિસ્તારના સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક લોકોને કૌશલ્યવાન બનાવવાની ગુજરાત સરકારની નેમ છે. આગામી સમય સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશનો છે અને ભવિષ્યમાં સમગ્ર વિશ્વને કુશળ અને તાલીમબદ્ધ માનવબળ ભારત પૂરું પાડશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   


આ પણ વાંચોઃ ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો, 33 વીઘા જમીનમાં પકવેલા ઘઉં બળીને રાખ થયા


 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવામાં શ્રમયોગીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. શ્રમયોગીઓ ઔદ્યોગિક ઉત્પાદન અને ઉત્પાદકતા વધારો કરીને દેશ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રાજ્યના વધુમાં વધુ શ્રમિકો ઔદ્યોગિક શાંતિ અને ઉત્પાદકતા વધારા તરફ પ્રેરાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રમિકોને દરવર્ષે રાજ્ય શ્રમ પારિતોષિક અને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. 


આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી સાથે શોભિત યુનિવર્સીટી-મેરઠ, અમદાવાદ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તેમજ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સીટી-સુરતે MoU સાઈન કર્યા હતા.