રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓછો થયો હોય તેમ એક બાદ એક ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. ત્યારે નિઝામપુરામાં જવેલર્સના ઘરની બહાર જ જવેલર્સ પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસનો મામલો સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના નિઝામપુરામાં આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ સોની ગત રાત્રે 10 વાગે પોતાની જવેલર્સની દુકાન બંધ કરી જમવાનું લઈ ઘરે આવ્યા, તે દરમિયાન દુકાનથી બાઈક પર પીછો કરીને આવતા બે શખ્સોએ ઘરની બહાર જ ભાવેશ સોનીની કારને આંતરી, સાથે કારમાં મુકેલ બેગ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જવેલર્સ ભાવેશે પ્રતિકાર કરતાં એક લૂંટારુએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભાવેશના પગમાં ઈજા પહોંચી છે. તેમ છતાં ભાવેશે લૂંટારુઓથી ડર્યા વગર તેમનો પ્રતિકાર કરતાં રહ્યા, અને ભોજનની થેલી લૂંટારૂને મારી જેથી બીજી બાઈક પર સવાર અન્ય બે લૂંટારુઓ પણ આવ્યા હતા. જેથી ભાવેશ સોનીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ જતાં લૂંટારુઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. ત્યારબાદ જવેલર્સ ભાવેશ સોનીએ ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.


આ પણ વાંચોઃ અમદાવાદને મળશે નવી ભેટ, 75 કરોડના ખર્ચે તૈયાર થશે ફૂટ બ્રિજ


ફતેગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસને એક ખાલી કાર્ટીસ મળી આવ્યું છે. ડીસીપી ઝોન-1 દીપક મેઘાણી પણ સ્થળ પર પહોંચીને ફરિયાદીની પૂછપરછ કરી હતી. સાથે જ અધિકારીઓને તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે એફ એસ એલની ટીમની પણ મદદ લીધી છે. પોલીસે જવેલર્સ ભાવેશના ઘર નજીક મંદિર પાસેના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા, જેમાં બે બાઈક પર 4 શખ્સો જતાં દેખાય છે. પોલીસે લુંટનો પ્રયાસ કરનાર આરોપીઓ જાણભેદુ હોવાની આશંકાએ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube