અમદાવાદ: શહેરની જાણીતી એચ.એલ. કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાની ઘટના સામે આવી છે. એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીના આરોપ મુજબ, તેને જાહેરમાં ડાન્સ કરાવીને અને પેન્ટ કાઢવાનું કહી રેગિંગ કરવામાં આવ્યું છે. તેને જાતિ વિષયક શબ્દો કહીને અપમાનિત કરી લાફા મારવામાં આવ્યા હતા, અને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ 21 સપ્ટેમ્બરના રોજ ફીનાઈલ પણ પી લીધું હતું. રેગિંગ કરનારા ક્ષિતિજ રબારી, જય ભરવાડ, જયેશ રબારી અને અજમલ રબારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટર સાઇકલની ચાવી લઇ ટપલી દાવ કરતા 
આ વિદ્યાર્થીની ફરિયાદ મુજબ, તેને છેલ્લા ત્રણેક મહિનાથી હેરાન કરવામાં આવતો હતો અને મોટર સાયકલની ચાવી લઈ ટપલી દાવ કરવામાં આવતો અને જાતિ વિષયક શબ્દો કહી જાહેરમાં ડાન્સ કરવાનું, પેન્ટ ઉતારવાનું, ગંદી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. 20 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી વિદ્યાર્થીને કોમર્સ છ રસ્તા પાસે આવેલી ચાની કીટલી પર બોલાવીને બે લાફા મારીને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી કહ્યું કે,રબારીના છોકરા વિરૂદ્ધ ફરિયાદ કરે છે.


જાહેરમાં પેન્ટ ઉતારવાનું પણ કહેતા અને મા-બહેન સામી ગાળો આપતા
પીડિતે જુલાઈ 2018માં એચ.એલ.કોમર્સ કોલેજના એફ.વાય.બી.કોમ.ના સેમેસ્ટર-1માં એડમિશન લીધું હતું અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કોલેજની હોસ્ટેલમાં રહે છે. તેની કોલેજના કમ્પાઉન્ડ બહાર બેસતા ક્ષિતિજ રબારી, જયેશ ભરવાડ, જયેશ રબારી છેલ્લા ત્રણેક મહિનાથી તેને કોઈપણ કારણ વિના હેરાન કરે છે. જેમાં તેની પાસેથી મોટર સાયકલની ચાવી લઈ ટપલી દાવ કરે છે અને દલિત હોવાનું જાણતા હોવાથી જાતિ વિષે અપશબ્દો બોલે છે. માત્ર એટલું જ નહીં, રિસેસમાં તેમની આગળ ડાન્સ કરવાનું કહે છે અને જો ના પાડે તો જાતિ વિષયક ટીપ્પણી કરી ગાળો ભાંડીને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. આથી તેના ડરના કારણે તે કહે તેમ કરતો હતો અને ત્રણેય શખ્સો જાહેરમાં પેન્ટ ઉતારવાનું પણ કહેતા અને મા-બહેન સામી ગાળો આપતા હતા.