રાજકોટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઢોકળી, ગાંઠીયા અને ઘુંઘરા ખાઈને ગ્રાઉન્ડમાં ઉતરશે! આવતીકાલે ભારત-દ.આફ્રિકાની ટીમનું આગમન
સયાજી હોટેલ ખાતે ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ લાગી ચૂક્યા છે. ભારતીય ટીમ સયાજી હોટલ ખાતે અને દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાવાની છે. ત્યારે વરસાદી માહોલમાં આવતીકાલે બન્ને ટીમોનું ભવ્યોતિભવ્ય આગમન કરવામાં આવશે.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આગામી 17 જૂનના ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ જંગ જામશે. રાજકોટના ક્રિકેટ રસિકોમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. આવતીકાલે 15 જૂનના વાયઝેગ થી સ્પેશ્યલ ચાર્ટર ફ્લાઈટમાં સાંજે 4 વાગ્યે બન્ને ટિમો રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. ભારતીય ટીમના ખેલાડીઓ માટે કાલાવડ રોડ પર સયાજી હોટલમાં સ્યુટ રૂમ બુક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કાઠિયાવાડી ભોજન અને ગાંઠિયા સહિતના નાસ્તાનો ચટકો ભારતીય ટીમના ખેલાડીઓ લેશે...
આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકાને ક્રિકેટ ટીમ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ટીમ ઈન્ડિયા હોટેલ સયાજી અને ટીમ આફ્રિકા હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. હોટલો દ્વારા પણ ‘ખાસ’ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં સ્ટાર ખેલાડીઓને 'વેલકમ' કરવા માટે હોટલ બહાર તેમજ મુખ્ય માર્ગો પર ક્રિકેટરોનાં પોસ્ટર પણ લગાવવામાં આવતા શહેરમાં અત્યારથી ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઋષભ પંત, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા તેમજ કોચ રાહુલ દ્રવિડને આઠમા માળે પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યો છે. આ આખા ફ્લોરને ‘રોયલ થીમ’ પર શણગારવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યારે ગરમી સાથે ભેજયુક્ત વાતાવરણને ધ્યાનમાં રાખી ખાસ પ્રકારના પીણા પણ તૈયાર કરવામાં આવ્યું હોવાનું હોટેલ સયાજીના સેલ્સ હેડ ઉર્વિશ પુરોહિતે જણાવ્યું હતું.
ગુજરાતી ભોજનનો ચટકો ચાખશે ભારતીય ખેલાડીઓ
સામાન્ય રીતે ક્રિકેટ ટીમ રાજકોટ આવે એટલે તેમને ગુજરાતી ભોજન પીરસવાની વર્ષોથી પરંપરા છે. આ પરંપરા જળવાઈ રહે તે માટે સયાજી હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઢોકળી, રાજસ્થાની દાલબાટી, ઘૂઘરા, ઘેવર રબડી, કૈર સાંગરી, ઈન્દોરી ચાટ પીરસવામાં આવશે. વડોદરાથી આવતા ખાસ રસોયા દ્વારા બનાવવામાં આવેલો વઘારેલો રોટલો પણ ક્રિકેટરોને જમાડવામાં આવશે.
સ્યુટ રૂમમાં અલગ અલગ થિમ શણગારી
ટીમના અન્ય ખેલાડીઓને પ્રિમીયમ રૂમ આપવામાં આવ્યા છે. જેમાં 60 એમબીપીએસની સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ દ્વારા પંડ્યા, ચહલ, પંત, દ્રવિડ સહિત તમામ ક્રિકેટરો માટે ખાસ પીલો (ઓશિકા) પણ તૈયાર કરવામાં આવ્યા છે.
7 વર્ષે બાદ સાઉથ આફ્રિકાની ટીમનું રાજકોટમાં આગમન
અગાઉ પણ 2015 માં આફ્રિકા ટિમ આજ હોટેલમાં રોકાઇ ચુકી છે. સાઉથ આફ્રિકાની ટીમ 7 વર્ષ બાદ બીજી વખત હોટેલ ફોર્ચ્યુનમાં રોકવાની છે. ત્યારે તેને લઈને ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોટેલ દ્વારા આફ્રિકી ખેલાડીઓના વિશાળ પોસ્ટર પણ હોટેલની અંદર-બહાર લગાવાયા છે. તો આફ્રિકી ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાને હોટેલના આઠમા માળે પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યા છે. અહીં તમામ ખેલાડીઓને 100 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ, સ્પા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિકી ખેલાડીઓને ત્યાંની સ્પેશ્યલ રુઈ બુશ ટી સાથે ગુજરાતી ખાણું ઢોકળા-ગાઠીંયા પણ પીરસવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના કેસ વધતા બન્ને હોટલમાં લોકો માટે પ્રવેશબંધી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે. હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઇના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આગામી 15 થી 18 જૂન ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ, બેંકવેટ હોલ, અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube