Janmashtami 2022: ગુજરાતમાં અહીં બાળ ગોપાલ માટે બનાવાયું 25 લાખ રૂપિયાનું સોનાનું પારણું
જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરામાં ભાવિ ભક્તોએ સોના અને ચાંદીનું પારણું બનાવ્યું. આ પારણાની કિંમત 25 લાખ રૂપિયા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરા, દ્વારકામાં મોટી સંખ્યામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા ભાવિ ભક્તો ઉમટ્યા છે. વડોદરામાં જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જ્યાં બાલ ગોપાલ માટે કેટલાક ભક્તોએ સોના-ચાંદીનું બનેલું સુંદર પારણું બનાવ્યું. આવો જાણીએ આ પારણા વિશે રોચક વાતો.
વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કેટલાક ભક્તોએ સોના અને ચાંદીનું અતિ સુંદર પારણું બનાવ્યું. દાનના રૂપિયાથી એકત્રિત કરેલી રકમથી ભાવિ ભક્તોએ આ પારણું બનાવ્યું. 25 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ પારણામાં 200 ગ્રામ સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વડોદરામાં સ્થિત કૃષ્ણ મંદિરમાં આ પારણાને સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પારણાને જોવા માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. આ કારણે મંદિરમાં અનોખી રોનક જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો અલગ અલગ રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તોએ બનાવેલા અતિ મૂલ્યવાન પારણું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું.