ઝી બ્યુરો/જામનગર: અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લામાં વહેણમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા છે. એરલિફ્ટ કામગીરી હજુ પણ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિમાં હવે ભારતીય વાયુસેના સક્રિય થયું છે. નવસારી માટે અમદાવાદથી એક mi-17 હેલિકોપ્ટર પહોંચ્યા છે. અન્ય બે હેલિકોપ્ટર જામનગરથી અમદાવાદ થઈ નવસારી પહોંચ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની હાલત કપરી બની રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે, તેમની સૂચનથી ઈન્ડિયન આર્મીના હેલીકોપ્ટર દ્વારા 28 લોકોને બચાવાયા છે. બીજી બાજુ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિનો સીધો ચિતાર મેળવી રહ્યા છે અને જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં વરસાદની સ્થિતિ પર PM મોદી સીધી નજર રાખી રહ્યા છે. PM મોદી અને ગૃહમંત્રી શાહે તાત્કાલિક આદેશ આપ્યો છે. તાત્કાલીક અસરથી અમદાવાદ, જામનગર, દમણથી રેસ્ક્યૂ ટીમો મોકલાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી છે. રાજ્યમાં ભારે વરસાદથી સ્થિતિ બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અમદાવાદથી ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું છે. જામનગરથી પણ રેસ્ક્યૂ માટે 2 હેલિકોપ્ટર મોકલાયા છે. ભારતીય એરફોર્સે નવસારીના ગણદેવીમાં ફસાયેલા લોકોને બચાવી લીધા છે. બીજી બાજુ NDRF અને SDRFએ નવસારીમાં 250થી વધુ લોકોને બચાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39,177 લોકોનું સ્થળાંતર કરાયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube