હવે કેવી રીતે જશો કેનેડા! ભારતીય વિદ્યાર્થીઓ માટે બંધ કર્યા આ વિઝા, હવે ગુજરાતીઓનું સ્વપ્ન રોળાશે
કેનેડાએ અચાનક એક મોટો નિર્ણય લેતા લાખો ભારતીય અને અન્ય 13 દેશોના વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. કેનેડાએ પોતાના સ્ટૂડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સિસ્ટમને અચાનક બંધ કરી દીધે છે. જેના હેઠળ વિદ્યાર્થીઓને સરળતાથી વિઝા મળી જતા હતા.
Canada Visa: કેનેડાએ શુક્રવારે એટલે કે 8 નવેમ્બર 2024થી પોતાની સ્ટૂડેન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સિસ્ટમને અચાનક બંધ કરી દીધી છે. કેનેડાના આ નિર્ણય બાદ ફાસ્ટ ટ્રેક સ્ટડી પરમિટ વિઝા પણ ખતમ થઈ ગયા છે. આ સિસ્ટમ હેઠળ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જલ્દીથી વિઝા મેળવવામાં મદદ મળી હતી. જોકે, આ પ્રક્રિયા હેઠળ અમુક શરતો અનિવાર્ય હતી પરંતુ વિદ્યાર્થીને તેનાથી થોડાક જ સમયની અંદર વિધા પરમિટ મળી જતી હતી. કેનેડા સરકારે તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે 'પ્રોગ્રામની અખંડિતતાને મજબૂત કરવા, વિદ્યાર્થીઓની નબળાઈઓને દૂર કરવા અને તમામ વિદ્યાર્થીઓને અરજી પ્રક્રિયામાં ન્યાયી અને વાજબી ઍક્સેસ પ્રદાન કરવા માટે આ પહેલ બંધ કરવામાં આવી રહી છે.'
2018 માં જાહેર કરી હતી સિસ્ટમ
2018 માં શરૂ કરાયેલ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા SDS નો હેતુ બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, ભારત, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ સહિતના 14 દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયાને સરળ કરવાનો હતો. જો કે, કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવાની હતી. જેમ કે $20,635 CAD મૂલ્યનું કેનેડિયન ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) અને અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાના ટેસ્ટ સ્કોર્સ સામેલ હતો. આ પ્રક્રિયા દ્વારા સ્ટડી વિઝા થોડાક જ સમયમાં મેળવી શકાતા હતા.
સામાન્ય પ્રક્રિયાથી મળશે
આ યોજના હેઠળ 8 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી મળેલી અરજીઓને આગળ વધારવામાં આવશે, ત્યારબાદ મળનાર તમામ અરજીઓ પર નિયમિત રીતે પરમિટ સ્ટ્રીમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યક્રમ બંધ થવાથી ભારત અને 13 અન્ય દેશોના વિદ્યાર્થીઓને સૌથી લાંબી વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ભારતીયો પર કેટલી પડશે અસર
માત્ર ભારતીયો જ નહીં પરંતુ ઘણા અન્ય દેશના વિદ્યાર્થીઓ માટે કેનેડા એક સારી જગ્યા માનવામાં આવે છે. એવામાં ત્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે. ઓગસ્ટ મહિનામાં જાહેર કરાયેલા ભારત સરકારના આંકડા પ્રમાણે લગભગ 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણી રહ્યા છે. જેમાંથી લગભગ 4.27 લાખ તો કેનેડામાં છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2013થી 2022ની વચ્ચે કેનેડામાં અભ્યાસ કરવા માટે જનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 260 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો.
ચૂંટણીને જોઈને લેવામાં આવ્યો નિર્ણય?
કેનેડા ઘણા વર્ષોમાં પ્રથમ વખત દેશમાં આવતા અપ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી ટ્રુડો સરકારના આ પગલાને નાટકીય નીતિ પરિવર્તન તરીકે ગણાવવામાં આવી રહ્યું છે. કેનેડા એક એવો દેશ હતો જે લાંબા સમયથી નવા લોકોને આવકારવામાં ગર્વ અનુભવતો હતો, પરંતુ હવે તે જ દેશ ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નિવેદનો આપી રહ્યો છે, જેના કારણે હાઉસિંગ કટોકટી સર્જાઈ રહી છે. આ મુદ્દો કેનેડાના રાજકારણમાં સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દાઓ પૈકીનો એક બની ગયો છે, કારણ કે કેનેડામાં ઓક્ટોબર 2025 પહેલા ચૂંટણી યોજાવાની છે. સર્વેક્ષણો દર્શાવે છે કે વસ્તીનો વધતો હિસ્સો વિચારે છે કે કેનેડામાં ઘણા બધા ઇમિગ્રન્ટ્સ છે.