IndiGoના સ્ટાફે દિગ્ગજ ગુજરાતી એક્ટર સાથે કરી ગેરવર્તણૂંક
- અભિનેતા જોશીની સીટ નીચે ખાવાની વસ્તુ પડી હતી. જેથી તેઓએ સ્ટાફને તે હટાવવાની માંગ કરી
- મનોજ જોશીની આ ટ્વીટ જોતજોતામાં વાયરલ થઈ હતી
- જેના બાદ ઈન્ડિગો એરલાઇન્સના દ્વારા અભિનેતા મનોજ જોશીની માફી માંગવામાં આવી
અમિત રાજપૂત/અમદાવાદ :ઈન્ડિગો એરલાઇન્સનું મોટું ભોપાળુ સામે આવ્યું છે. ફિલ્મ અભિનેતા અને ફેમસ ગુજરાતી એક્ટર મનોજ જોશી (Manoj Joshi) ઈન્ડિગો એરલાઇન્સની ખરાબ સેવાના શિકાર બન્યા છે. અમદાવાદથી દિલ્હી જતા અભિનેતા મનોજ જોશીને એરલાઈન્સ સ્ટાફનો કડવો અનુભવ થયો હતો. જેથી તેઓએ ટ્વીટ કરીને સ્ટાફની ગેરવર્તણૂંકનો ખુલાસો કર્યો હતો. જોકે, તેમની ટ્વીટ બાદ ઈન્ડિગો એરલાઈન્સે (IndiGo Airline) ટ્વીટ કરીને માફી માંગી હતી.
શું બન્યું હતું...
ગઈકાલે અભિનેતા મનોજ જોશી ઈન્ડિગોની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં બેસ્યા હતા. ત્યારે અભિનેતા જોશીની સીટ નીચે ખાવાની વસ્તુ પડી હતી. જેથી તેઓએ સ્ટાફને તે હટાવવાની માંગ કરી હતી. પરંતુ ઈન્ડિગો એરલાઇન્સના સ્ટાફ દ્વારા ફ્લાઈટમાં અભિનેતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે અભિનેતા મનોજ જોશીએ ટ્વિટર પર ટ્વીટ કરીને ઈન્ડિગો એરલાઇન્સની પોલ ખોલી હતી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈન્ડિગો એરલાઈન્સ સાથે મારો વ્યવહાર ખરાબ રહ્યો. સ્ટાફનો વ્યવહાર પણ પ્રોફેશનલ ન હતો. મે સ્ટાફને મારી સીટ નીચેનો કચરો સાફ કરવા કહ્યું હતું. પણ સ્ટાફે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. મારા મતે ઈન્ડિગોના સ્ટાફને વધુ ટ્રેઈનિંગની જરૂર છે.
એરલાઈન્સે ટ્વિટર પર માફી માંગી
તો મનોજ જોશીની આ ટ્વીટ જોતજોતામાં વાયરલ થઈ હતી. જેના બાદ ઈન્ડિગો એરલાઇન્સના દ્વારા અભિનેતા મનોજ જોશીની માફી માંગવામાં આવી હતી. ઈન્ડિગો એરલાઈન્સે પોતાના ટ્વિટર હેન્ડલર પર માફી માંગતા લખ્યું કે, મિસ્ટર જોશી, તમારા આ અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. અમે તમને નિરાશ કરવા માંગતા ન હતા. અમે તમારો આ મુદ્દે સંપર્ક કરીશું.