અતુલ તિવારી/અમદાવાદ :સરકારની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી રાજ્યની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની મુસીબત વધી છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ તરફથી રાજ્યની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અંદાજે 60 હોસ્પિટલને 300 કરોડ રૂપિયાનું ચુકવણું બાકી છે. ઓરિયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને બજાજ એલાયન્સ દ્વારા બિલ પેટે ચૂકવવાના થતા અંદાજે 300 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. ત્યારે બાકી 300 કરોડ રૂપિયા ઝડપથી ચુકવવામાં આવે એ અંગે ગુજરાત નર્સિંગ હોમ્સ એન્ડ હોસ્પિટલ એસોસિએશન તરફથી સરકારને રજૂઆત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આહનાના સેક્રેટરી ડોક્ટર વીરેન શાહે કહ્યું કે, અમે ડિસેમ્બર મહિનામાં બાકી નીકળતી રકમ અને બીલની ચૂકવણીમાં ઢીલાશ અંગે આરોગ્યના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલને રજૂઆત કરી હતી. જે તે સમયે અમને હૈયાધારણા અપાઈ હતી કે ઝડપથી બાકી નીકળતી રકમ ચૂકવવા માટે આદેશ કરાશે. જો બીલની ચુકવણી સમયસર નથી થતી તો 31 માર્ચ બાદ ઓરિયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને બજાજ એલાયન્સના ટાઈઅપ રદ્દ કરી દેવા અંગે પણ કહેવામાં આવ્યું હતું. જો કે અમારી રજૂઆતને બે મહિના કરતા વધુ સમય વીતવા છતાં કોઈ જ સુધારો થયો નથી.


આ પણ વાંચો : ‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે...’ મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ


તેમણે કહ્યુ કે, રાજ્યની 60 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમને 300 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે એ છેલ્લા 6 મહિનાના ગાળાનો હિસાબ છે. PMJAY યોજનામાં ગરીબ - સામાન્ય દર્દીઓ સારવાર લેતા હોય છે. આ યોજના અંતર્ગત સારવાર માટે હોસ્પિટલ તરફથી જરૂરી એપૃવલ લેવાની રહેતી હોય છે, ત્યારબાદ જ દર્દીને સારવાર આપવામાં આવે છે. અનેક કિસ્સામાં સારવાર બાદ કેટલાક કોમ્પ્લિકેશન થાય છે એવા કિસ્સામાં હોસ્પિટલને ભોગવવાનો વારો આવે છે. અમને એપૃવલ મળે ત્યારે બાદ જ સારવાર કરી શકીએ છીએ અને દર્દી ડિસ્ચાર્જ થાય એટલે એનું બિલ ઓનલાઈન પોર્ટલ પર મુકવાનું રહે છે. બિલ ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરીએ એટલે 1 મહિનામાં એની ચુકવણી થવી જોઈએ એવી શરતો નક્કી કરાઈ છે, પરંતુ 6 મહિના વીતવા છતાં બિલો પાસ નથી થઈ રહ્યા.


આ પણ વાંચો : જે દાવતમાં એકસાથે 1255 ને ફૂડ પોઈઝનિંગ થયું, તે કોંગ્રેસના વઝીરખાનના પુત્રના લગ્નની હતી


હોસ્પિટલોનું કહેવુ છે કે, આ કારણોસર ભૂતકાળમાં ઇન્શ્યોરન્સ કંપનીઓને 4 કરોડથી 13 કરોડ રૂપિયા સુધી પેનલ્ટી પણ કરવામાં આવી છે. દર્દીદીઠ સરકાર તરફથી ઇન્શ્યોરન્સ કંપનીઓને રૂપિયા ચુકવવામાં આવતા હોય છે, પરંતુ સારવાર બાદ જ્યારે હોસ્પિટલને બીલની ચૂકવણીની વાત આવી રહી છે ત્યારે ઓરિયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને બજાજ એલાયન્સ દ્વારા લાલીયાવાડી કરાઈ રહી છે. અમે સતત રજુઆત કરી રહ્યા છીએ, સરકારથી વિનંતી છે કે તાત્કાલિક ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે પગલાં ભરે, બાકી રહેતી 300 કરોડ રૂપિયાની ચુકવણી માટે આદેશ કરે. અમે પોતે પણ ગરીબ અને સામાન્ય દર્દીઓની ચિંતા કરીએ છીએ અને ભવિષ્યમાં કોઈ સમસ્યા ના થાય એ વિશે ચિંતિત છીએ. આગામી એકાદ મહિના સુધી વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવીશુ, આશા છે કે અમારો મુદ્દો ઉકેલાશે, બીલની રકમ ચૂકવાઈ જશે. હોસ્પિટલના પણ જુદા જુદા ખર્ચ ભોગવવાના હોય છે, એટલે સરકાર મદદરૂપ થાય એવી વિનંતી.