જામનગર: વ્યાજખોરોનો આતંક હવે જામનગરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે અને દરરોજ વ્યાજખોરોના ત્રાસના નવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જામનગર શહેરમાં વ્યાજખોરોની માયાએ જાણે માજા મુકી હોય તેવું જોવા મળ્યું છે અને કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવો માહોલ જામનગરમાં જોવા મળી રહી છે. ત્યારે આજે ફરીથી આવો જ એક વ્યાજખોરોનો આતંક સામે આવ્યો હતો અને ખાસ કરીને જામનગર શહેરના પોશ ગણાતા એવા ક્રિકેટ બંગલા વિસ્તારમાં પાંચથી છ જેટલા બુકાનિધારી વ્યાજખોરોએ એક ઈસમ અને તેની બાળકી પર સરાજાહેર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સથળે દોડી આવ્યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સહદેવસિંહ ચુડાસમા પોતાની પુત્રી સાથે ક્રિકેટ બંગલામાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને ત્યાર બાદ બહાર નીકળતાની સાથે જ ક્રિકેટ બંગલા સામે રાજકોટથી સ્કોર્પિયો કાર લઇને આવેલા વ્યાજખોરોએ પોતાના મોઢે બુકાની બાંધી અને તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે ઓચિંતો હુમલો કરી જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સદ્નસીબે આસપાસમાં ક્રિકેટ રમી રહેલા મોટી સંખ્યામાં બાળકો ઘટનાસ્થળે પહોંચી જતા વ્યાજખોરો પરત ભાગ્યા હતા અને ઇજાગ્રસ્ત સહદેવસિંહ પણ ક્રિકેટ બંગલા તરફ ભાગતા પોતાનો જીવ બચાવી શકાયા હતા.


જોકે વ્યાજખોરોના હુમલાની સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત સહદેવસિંહને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સહદેવસિંહ વ્યાજખોરો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી રહ્યા છે અને 10% ભાવથી પણ વધુ વ્યાજના પૈસા આપી દીધા હોવા છતાં પણ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.


સહદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અગાઉ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે જેનો ખાર રાખી તેમની રેકી કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા તેમને રક્ષણ આપવામાં આવે તેવી પણ માંગ સહદેવસિંહે કરી હતી.