ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નું ઉદ્દઘાટન રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 8 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેશે. G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 આગામી 8 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પતંગ મહોત્સવમાં 53 દેશોના 126, 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.


રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવશે. તારીખ 8 થી 14 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં ભાગ લેશે, ત્યારબાદ વિવિધ થીમ આધારિત સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ કોર્ટનું પણ નિદર્શન કરશે.


પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેનો વર્કશોપ પણ બનાવવામાં આવ્યો છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણેજ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણાંનાં 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ 8 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે. 


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.
અલ્જીરીયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશ્યસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટીન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.