ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ આઈપીએલ ચાલી રહી છે ત્યારે સટ્ટોડિયા પણ મોજમાં છે. ક્રિકેટની રમતની આડમાં હજારો કરોડનો સટ્ટો રમાય છે. ત્યારે પોલીસ તંત્ર પણ આ પ્રકારના તત્વોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહ્યું છે. પોલીસની સ્પેશિયલ ટીમ એસઆઈટી દ્વારા સટ્ટોડિયાઓની સઘન તપાસ ચાલી રહી છે. સટ્ટાબજાર સાથે ફિલ્મી સિતારીઓ પણ જોડાયેલાં હોવાની વાત સામે આવી છે. જેને પગલે પોલીસે તપાસ તેજ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ અમદાવાદના માધુપુરાથી ઝડપાયેલાં ક્રિકેટના સટ્ટોડિયાઓ અને ડબ્બા ટ્રેડિંગ કરતા આરોપીની એસઆઈટી પૂછપરછ કરી રહી છે. સટ્ટાની વેબસાઈટોની જાહેરાતો લેનારા હીરો-હીરોઈનોની પણ તપાસ થશે. ફિલ્મ સ્ટાર્સ અને મોડેલની પણ પોલીસ કરશે પૂછપરછ. ક્રિકેટના સટ્ટાની આડમાં કાળાના નાણાંની હેરાફરી કરતા તત્ત્વોને ઝડપથી ઝડપી પાડવા માટે એસઆઈટીની ટીમમાં પોલીસ અધિકારીઓનો પણ વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એસઆઈટી એટલેકે, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં વધુ બે પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોગસ ડોક્યુમેન્ટથી ખોલેલા એક બેંક ખાતામાં 200 કરોડથી વધુની હેરાફેરી થઈ હોવાનું પણ ખુલ્યું છે. 


અમદાવાદના સીજી રોડ પર પેઢી ધરાવતા જ્વેલર્સ ભાઈઓની પણ આ સટ્ટા કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જર્વેલર્સ ભાઈઓની કંપની માંથી બોગસ અકાઉન્ટ બનાવીને તેના પર ક્રિકેટનો સટ્ટો અને ટ્રેડિંગ કરવામાં આવતું હોવાનું પણ ખુલ્યું છે. ફેક ડોક્યુમેન્ટના આધારે ખુલેલા બેંક ખાતાઓ અંગેની માહિતી પણ સામે આવી છે. જોકે, પોલીસ ત્યાં સુધી પહોંચે એ પહેલાં જ બન્ને ભાઈઓ દુબઈ ભાગી ગયા હોવાની વાત સામે આવી છે.