• ભાવનગરનો વધુ એક ખેલાડી આઈપીએલમાં સ્થાન પામ્યો, 1.20 કરોડમાં ભાવનગરના ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

  • ચેતન સાકરિયા ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા હાલ છૂટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

  • ચેતનના નાના ભાઈનું એક મહિના પહેલા જ નિધન થયું હતું, પરિવાર કહ્યું-પુત્ર દેશ અને ભાવનગરનું નામ રોશન કરશે


નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના વધુ એક ખેલાડીને આઈપીએલ (IPL 2021) માં સ્થાન મળ્યું છે. ગુરુવારે આઈપીએલ 2021 ના ઓક્શનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (chetan sakariya) ને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.20 કરોડમાં ખરીદી લેતા ભાવનગરના ગરીબ પરિવારમાં હરખની હેલી આવી છે. ભાવનગરના વરતેજ વિસ્તારમાં એકદમ ગરીબ પરિવારના પુત્રની મહેનત રંગ લાવી અને આગામી આઈપીએલની સીઝનમાં તે રાજસ્થાન રોયલ્સ (rajasthan royals) ની ટીમ વતી રમશે, ત્યારે પરિવાર તેમના પુત્રને આગામી સમયમાં દેશ માટે રમતા જોવાની આશા વ્યક્ત કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરનો યુવા ક્રિકેટર ચેતન સાકરિયાની મહેનત આખરે રંગ લાવી અને આઈપીએલ 2021 ના ઓક્શન (IPL 2021 Auction) માં રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા બેઇઝ પ્રાઈઝ કરતા ૬ ગણી વધુ કિંમતે ખરીદી કરતા એટલે કે રૂ.૧.૨૦ કરોડની બોલી લાગતા ગરીબ પરિવારના આ પુત્રને જેકપોટ લાગ્યો છે. ચેતનનો પરિવાર ભાવનગરના વરતેજ વિસ્તારમાં રહે છે. એકદમ ગરીબ સ્થિતિમાં જીવન જીવતો સાકરિયા પરિવાર, જેમાં ચેતન હાલ તેના પિતા કાનજીભાઈ, માતા વર્ષાબેન અને બહેન જીજ્ઞાશા સાથે રહે છે. ચેતન (chetan sakariya) નો નાન ભાઈ રાહુલનું હજી ગત મહિને જ નિધન થયું હતું, જેનાથી પરિવાર દુખીદુખી હતો. પિતા કાનજીભાઈ સાકરિયા થોડા સમય અગાઉ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે આરોગ્ય સારું ન રહેતા છૂટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.


ચેતન ૧૩ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો અને ભાવનગરની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાં નિયમિત કોચિંગ પણ લેતો હતો. સિનિયર ખેલાડીઓ પાસેથી કોચિંગ લઇ તેને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વગરેમાં શાનદાર પ્રદર્શન કરી પસંદગીકારોની નજર પોતાના તરફ ખેંચી હતી. વર્ષ 2020 ની આઈપીએલમાં આરસીબીની ટીમનો નેટ બોલર હતો. તેણે ગ્લેન મેકગ્રાથ જેવા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પાસેથી તાલીમ મેળવી પોતાની બોલિંગની ધાર તેજ કરી હતી અને જેના શાનદાર દેખાવનું ફળ તેને આ આઈપીએલમાં મળ્યું છે. તેની  આઈપીએલ (IPL Auction 2021) માં પસંદગી થતા પરિવારમાં જે નાના પુત્રના દુઃખનો માહોલ હતો, તે હવે ખુશીમાં પરિણમી છે. પિતા પોતાના પુત્રની આઈપીએલમાં પસંદગી થતા ગૌરવ અનુભવી રહ્યાં છે. તેમજ રાજસ્થાનની ટીમ વતી રમી સારી સિદ્ધિ પ્રાપ્ત કરે અને આગામી સમયમાં દેશની ટીમમાં પસંદગી પામી દેશ અને ભાવનગરનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો : અડધી દુનિયા બની ભારતીય વેક્સીનની દિવાની, જાણો ક્યાં ક્યાંથી થઈ ડિમાન્ડ


પુત્રની આઈપીએલ માં પસંદગી થતા એક ગરીબ માતાની આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી. નાના પુત્રના અવસાનના શોકમાં ગરકાવ માતા તેમના મોટા પુત્રની આ સિદ્ધિથી પ્રસન્ન બની છે. મોટા પુત્ર વધુ પ્રગતિ કરે અને પોતાનું અને દેશનું નામ રોશન કરે તેવી આશા વર્ષાબેને વ્યક્ત કરી હતી.



ભાઈ ચેતનની લાડલી બહેન જીજ્ઞાશા આઈપીએલમાં સ્થાન પ્રાપ્તિની સાથે જ ખુશીથી ઝૂમી ઉઠી હતી. તેણે કહ્યું કે તેમના પરિવારે આપેલું એક બલિદાનનું આ ફળ મળ્યું છે. ગત મહિને 15 જાન્યુઆરીના રોજ મારા નાનાભાઈ રાહુલનું અવસાન થયું હતું. તે સમયે ચેતન મેચ રમી રહ્યો હતો, જેની જાણ ચેતનને કરવામાં આવી ના હતી. પરંતુ તે જ્યારે ભાવનગર ઘરે પરત ફર્યો ત્યારે આ અંગેની જાણ થઇ હતી. ભાઈના અવસાનથી દુઃખનો માહોલ પરિવારમાં છે, જે હવે આ ખુશીના સમાચારથી આનંદના અવસરમાં ફેરવાય રહ્યો છે.


આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી