ગુજરાતના IPS બેડા માટે ખુશખબર: પ્રવીણ સિંહાને CBI માં 6 મહિનાનું એક્સટેન્શન અપાયું
Gujarat Police : ગુજરાત કેડરના પ્રવીણ સિંહાને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર વધુ છ માસનું એક્સટેન્શન અપાયું
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીને એક્સટેન્શન મળ્યું છે, જેથી ગુજરાતના આઈપીએસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે. સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવીણ સિંહાને વધુ છ માસનું એક્સટેન્શન અપાયું છે. તેમને અગાઉ પણ છ માસનું એક્સટેન્શન અપાયુ હતું. હાલ તેઓ ઇન્ટરપોલમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યાં છે. ત્યારે પ્રવીણ સિંહા આગામી 30 એપ્રિલ, 2023 સુધી cbi માં કાર્યરત રહેશે.
2019ના ફેબ્રુઆરી માસમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત કેડરના પ્રવીણ સિન્હાની સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે પહેલા તેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટરના પદ પર હતા. પ્રવીણ સિન્હા 1988 બેચના આઈપીએસ અધિકારી છે. 1962માં જન્મેલા પ્રવીણ સિન્હા B.A.(Hons), (P.G.D.B.M.), LLBની ડિગ્રી ધરાવે છે. વર્ષ 2015માં તેમને કેન્દ્રીય વિજિલન્સ કમિશનમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ જાન્યુઆરી, 2018માં તેમની સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ પણ છે
ગત 2021 ના વર્ષે નવેમ્બર મહિનામાં પ્રવિણ સિંહાની ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે નિમણૂંક કરાઈ હતી. ગુજરાતના ઇતિહાસમાં આ સૌ પ્રથમ ઘટના હતી, જેમાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા ઈન્ટરપોલના ડેલિગેટ બન્યા હોય. તેઓ ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે નિમણૂંક થતાં 3 વર્ષ સુધી રહેશે.