ઇશા અંબાણીના લગ્ન ખર્ચને લઇ જીગ્નેશ મેવાણીએ કર્યું વિવાદિત ટ્વિટ
જિગ્નેશ મેવાણીએ ઇશા અંબાણીના લગ્નના ખર્ચને લઈને ટ્વીટ કર્યું છે.
અમદાવાદ: થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન યોજાયા હતા. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કરોડો રૂપિયાના ખર્ચને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાણે પેટમાં દુખ્યું હોય તેમ લાગે છે. જિગ્નેશ મેવાણીએ ઇશા અંબાણીના લગ્નના ખર્ચને લઈને ટ્વીટ કર્યું છે.
જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવલા ટ્વિટમાં લખ્યું છે કે, રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ ઇશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારી રિપોર્ટ મુજબ એક દિવસમાં 84 કરોડ લોકો માત્ર 20 રૂપિયા કરતા ઓછી રકમમાં જીવીત રહે છે. શું આ લોકો વિરુદ્ધ અંબાણી નથી...? આટલી માત્રામાં ધનનો સંગ્રહ એ એક પ્રકારનું ઘૃણાસ્પદ છે. ત્યારે મેવાણીના આવા ટ્વીટને લઈને અનેક લોકોએ તેની ટીકા કરી અને ઝાટકણી કાઢી છે.
કેટલાક લોકોએ લખ્યું છે કે અંબાણીએ પોતાની મહેનત અને ઉદ્યમથી આ કમાણી કરી છે. અને મુકેશ અંબાણી જેવા કર્મશીલ લોકો દેશનું ગૌરવ છે. જ્યારે મેવાણી જેવા લોકો લોકોને ભડકાવી નેતાગીરી કરીને રૂપિયા કમાય છે. જે દેશ માટે કલંક છે. ત્યારે ટ્વિટર પર તેના નિવેદનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેસબુક યુઝર્સ દ્વારા તેના આ ટ્વિટની મઝાક ઉડાવામાં આવી રહી છે.
જિગ્નેશ મેવાણીનું ટ્વીટ
ટ્વીટનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે- રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી પોતાની દીકરી ઇશાના લગ્ન માટે 700 કરોડનો ખર્ચો કરે છે. સરકારી રિપોર્ટ અનુસાર 84 કરોડ લોકો દિવસમાં 20 રૂપિયાથી પણ ઓછામાં જીવિત રહે છે. શું આ 'લોકો' વિરુદ્ધ 'અંબાણી' નથી ? આટલી માત્રામાં ધનનો સંગ્રહ એ પણ એક પ્રકારની નિર્લજ્જતા/અશ્લીલતા છે