ઇસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન
ઇસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન નિજ આસો સુદ આઠમ, શનિવારે સાંજે થયું છે. તેઓએ 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિનો પ્રસાર-પ્રચાર ગુજરાતમાં કર્યો. તેમની પ્રેરણાથી ગુજરાતમાં 40થી વધુ મંદિર-કેન્દ્રની સ્થાપના થઈ હતી.
અમદાવાદ: ઇસ્કોન-ગુજરાતના 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન નિજ આસો સુદ આઠમ, શનિવારે સાંજે થયું છે. તેઓએ 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિનો પ્રસાર-પ્રચાર ગુજરાતમાં કર્યો. તેમની પ્રેરણાથી ગુજરાતમાં 40થી વધુ મંદિર-કેન્દ્રની સ્થાપના થઈ હતી.
ઇસ્કોન મંદિર-એસજી હાઈવેના મીડિયા પ્રભારી હરેશ ગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન 24મી ઓક્ટોબર, 2020, નિજ આસો સુદ આઠમ, શનિવારે સાંજે થયું છે. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના વૈકુંઠગમનથી ઈસ્કોન-ગુજરાતના સંસ્થાપક, કર્મઠ અને પરમ કૃષ્ણભક્તને ગુમાવ્યા છે. અનેક શ્રદ્ધાળુઓએ સજળ નેત્રે તેઓનો વિદાય આપી.
તેમણે જણાવ્યું કે પૂજ્ય જશોમતિનંદનદાસજીએ વર્ષ-1975થી ગુજરાત ઈસ્કોનની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. અમદાવાદમાં એસ.જી.હાઈવે ખાતે વર્ષ-1990ના રોજ પ્રાથમિક સ્તરના મંદિરની સ્થાપના કરી હતી ત્યારબાદ વર્ષ-1997માં વિધિવત્ શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આજે અમદાવાદ જ નહીં, પરંતુ વિદેશમાં પણ ઈસ્કોન મંદિર-અમદાવાદ વિખ્યાત છે. ખાસ કરીને ફોર્ડ મોટરના માલિક આલ્ફ્રેડ ફ્રોડ કે જેઓ હવે પૂજ્ય અંબરીષદાસજી તરીકે જાણીતા છે, તેઓ પૂજ્ય જશોમતિનંદનદાસજીના અંગત સ્નેહી રહ્યા છે અને પૂજ્ય જશોમતિનંદનદાસજીને મળવા અચૂક અમદાવાદ પણ આવતા.
તેમણે જણાવ્યું કે પૂજ્ય જશોમતિનંદનદાસજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 40 જેટલા મંદિર અને કેન્દ્રોની સ્થાપના તેઓની પ્રેરણાથી થઈ છે. ખાસ કરીને તેઓની ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથ ઉપર પ્રવચનની હથોટી હોવાથી અનેક વિદ્વાનો પણ તેમને સાંભળવા માટે ઉત્સુક રહેતા હતા.
અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા શરૂ કરાવી હતી. ઇસ્કોન મંદિર-એસજી હાઈવેના મીડિયા પ્રભારી હરેશ ગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીની પ્રેરણાથી અમદાવાદમાં વર્ષો સુધી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 35 ફૂટ ઊંચા રથ સાથે રથયાત્રાનું આયોજન પણ થયું. જે રામનવમી નિમિત્તે થતું હતું. ત્યારબાદ ભક્તોની માગને પગલે નવા પશ્ચિમ વિસ્તારમાં અષાઢી બીજે રથયાત્રાનો પણ પ્રારંભ તેમની પ્રેરણાથી થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube