અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ CMના ઉમેદવાર માટે એક સર્વે કરાવ્યો હતો. જેમાં 16 લાખ 48 હજાર 500 લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને સમર્થન આપ્યુ. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. જાહેરાત થતા જ તેઓ સૌથી પહેલા તેઓ પરિવારને મળવા ગયા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરીને માતાના આર્શીવાદ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત થતા જ ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા. નામની જાહેરાત થતા જ તેઓ ભાવુક થઈ ગયા હતા. જેના બાદ ઈશુદાન ગઢવીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, નાની ઉમરમાં ઇશ્વરે મોટી જવાબદારી ચેનલ હેડ તરીકેની આપી હતી. કોરોના, ખેડૂત, પેપરલીકની સ્થિતિ જોઇ લાગ્યુ કે કંઇક કરવાનુ છે. હુ કારકિર્દીની ટોચ પર હતો અને ગુજરાતની જનતા માટે કામ કરવા રાજીનામુ આપ્યું હતું. કેજરીવાલે રાજકારણમાં આવવા માટે  આમંત્રણ આપ્યું હતું. દિલ્હીની સ્થિતિ જોયા બાદ રાજકારણમાં જવાનુ નક્કી કર્યુ હતું. રાજકારણ મારો શોખ નહી મજબૂરી છે. લોકોની સમસ્યાઓ મારાથી જોવાતી ન હતી. અમે સમસ્યાઓને વાચા આપી શક્તા હતા. આદેશ નહોતા કરી શકતા, માટે છેવટે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો.


સ્ટેજ પર ફરીથી ઈસુદાન ગઢવી પોતાના પિતાની વાત કરતા ભાવુક થયા હતા. પિતાની બિમારી અને અવસાન અંગે વાત કરતાં ઈસુદાન ભાવુક થયા હતા. ઈસુદાને જણાવ્યું હતું કે, કોઇ શક્તિ મને સપોર્ટ કરી રહી છે. હુ જ્યા સુધી જીવીશ ત્યાં સુધી સેવા કરતો રહીશ. હુ જ્યારે નોકરી કરતો હતો ત્યારે લખતો હતો કે ગુજરાતના લોકોની સમસ્યા માટે શુ કરી શકાય? હુ આશ્વાસન આપુ છુ કે 75 વર્ષમાં જે ગુજરાતમાં નથી થયુ એ પાચ વર્ષમાં ન કરુ તો રાજકારણ છોડી દઈશ. જો આપની સરકાર બનશે તો મુખ્યમંત્રી તરીકે હુ નહી સાડા છ કરોડની જનતા શપથ લેશે. જો કોઇ ખોટુ કરશે તો તેને જેલ ભેગો કરીશુ, ભલે ને તે આપનો નેતા કે મંત્રી કેમ ન હોય. ઈસુદાને  વધુમાં જણાવ્યું હતું કે, જો તમે ભાજપને મત આપશો તો તેમને કરેલ કાંડના ભાગીદાર હશો



તમને જણાવી દઈએ કે આજે સવારથી ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાય તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી હતી. આપના આંતરિક સર્વેમાં પણ ઇસુદાન ગઢવી સૌથી આગળ હતા. સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇસુદાન ગઢવીને બે ટકા વધારે મત મળ્યા હતા. મુખ્યમંત્રી પદના ચહેરા માટે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન વચ્ચે હરિફાઈ જોવા મળી શકે છે.


ઉલ્લેખનીય છે કે, ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્રની બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ તેમની પકડ મજબૂત છે. આમ આદમી પાર્ટી તેમને જામખંભાળિયાથી ટિકિટ આપીને લડાવી શકે છે.