હજુ બે દિવસ ગુજરાતમાં ભારે ઠંડી પડશે, તાપમાનમાં થશે ઘટાડો
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ બે દિવસ કાતિલ ઠંડી પડવાની છે. અમદાવાદ શહેરમાં તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ બે દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાનું છે. તો અમદાવાદ શહેરનો પારો 7 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 25.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સોમવાર કરતાં 2 ડિગ્રી વધીને 8.6 ડિગ્રી નોંધાયું હતું. જેથી મંગળવારે ઠંડીમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ હવે આગામી બે દિવસમાં અમદાવાદ શહેરમાં ભારે ઠંડી પડવાની છે. શહેરમાં પારો સાત ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો 28 જાન્યુઆરીથી ઠંડીનો પારો 9થી 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ મહાકૌભાંડ: મન પડે તે યુનિવર્સિટીમાંથી મન પડે તે ડિગ્રી, ભાવ માત્ર 20 હજાર
ગુજરાતમાં કાતિલ ઠંડી
ગુજરાતમાં ઘણા સમય બાદ સતત બે મહિના ઠંડી પડી છે. આ પહેલાં 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. તે સમયે પણ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જેનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તે સમયે પણ અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube