ઝી ન્યૂઝ/બ્યુરો: માવઠા બાદ ગુજરાતના અનેક સ્થળોએ ભેજના પ્રમાણને કારણે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે. આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આમ છતાં લોકોને હજુ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. ડિસેમ્બરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે રાજ્યને હંફાવ્યું હતું. જો કે હવે હવામાન વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતાં ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના મતે ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે, ત્યારબાદ પાટનગર ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, અમરેલી અને પોરબંદરનું તાપમાન 17 ડિગ્રી, કેશોદ અને સુરેન્દ્રનગરનું તાપમાન 17 ડિગ્રી, ડીસા અને વિદ્યાનગરનું તાપમાન 17 ડિગ્રી અને અમદાવાદ અને દ્વારકાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.


અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોનો પણ પારો ગગડ્યો છે, બીજી બાજુ  દક્ષિણ ગુજરાત સહિત ક્યાંક ક્યાંક ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં તા.7 અને 8ના રોજ 17 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે તા.9 થી તા.11 સુધી 16 ડિગ્રી ઠંડી રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. 10 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. બીજી બાજુ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. 


અત્રે નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહીના મતે આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube