નરેશ ભાલિયા, જેતપુર: રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં સરકારી સાંસ્કૃતિક ભવનના કૌભાંડને હજુ થોડા દિવસો જ થયા છે, ત્યાં જામકંડોરણા ગ્રામ પંચાયતનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે, ગ્રામ પંચાયતમાં બોગસ મજુર ઉભા કરીને પૈસા ઉચાપત કરવાનું કૌભાંડ એક RTIમાં સામે આવ્યું છે અને 3 વર્ષથી ચાલતા આ કૌભાંડમાં લાખો રૂપિયાની ઉચાપત સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામકંડોરણા ગ્રામ પંચાયત ફરી વિવાદમાં આવી છે, ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી એક દાડિયા મજુરને બોગસ રીતે પંચાયતના ચોપડામાં દર્શાવીને લાખો રૂપિયાની ઉચાપત સામે આવી છે. મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતના સદસ્ય રમેશભાઈ બાલધા દ્વારા અને જયેન્દ્રસિહ ચૌહાણ દ્વારા એક માહિતી માંગવામાં આવી હતી કે જામકંડોરણા ગ્રામ પંચાયતમાં કેટલા દાડીયા મજુર છે અને કોણ કોણ છે. ત્યારે જેમાં ગ્રામપંચાયતમાં છેલ્લા 3 વર્ષથી ધીરુ ચાના નામનો એક દાડિયા મજુર કામ કરતો નજરે ચડ્યો હતો અને દર મહિનાના 6 હજાર થી 7 હજાર સુધીની મજૂરી મેળવતો બતાવ્યો હતો. 


જયારે આ બાબતે અને આ ધીરુ ચના નામના વ્યક્તિની તાપસ કરવામાં આવી તો આ વ્યક્તિની હયાતીની કોઈ માહિતી ગ્રામ પંચાયત પાસે ના હતી, અને ગ્રામ પંચાયત દ્વારા માત્ર હાજરી પત્રક અને વાઉચર જ આપવામાં આવ્યા હતા. જેમાં પૈસાનું ચુકવણાનું બિલ જ મળ્યું હતું. જયારે RTI દ્વારા ધીરુ ચના નામના દાડિયા મજુરના આધારકાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવી ફોટો આઈડી પ્રુફ માંગવામાં આવ્યા તો તેવી કોઈ માહિતી ગ્રામપંચાયતે આપી ન હતી. જે જોતા ગ્રામ પંચાયતમાં આ દાડિયા મજુરના નામે બોગસ મજૂરીના બીલો બનાવીને 3 વર્ષ સુધી રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી, અને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.


ગ્રામપંચાયતના સદસ્ય રમેશભાઈ બાલધા દ્વારા જયારે દાળિયા મજુર ધીરુ ચનાની માહિતી લેવામાં આવી અને તેના દ્વારા તેના પૈસાના ઉપાડના વાઉચરની તાપસ કરવામાં આવી ત્યારે દરેક વાઉચરમાં પૈસા ઉપાડની સહીઓ અલગ અલગ જોવા મળી હતી, જયારે અમારા રિપોર્ટર દ્વારા જામ કંડોરણાના સરપંચ જસમતભાઈનો સંપર્ક કરવા માં આવ્યો ત્યારે તેમનો સમ્પર્ક થઇ શક્યો ન હતો, અને ગ્રામપંચાયતના તલાટી મંત્રી રજા ઉપર ઉતરી ગયા હતા. જામ કંડોરણા ગ્રામ પંચાયતમાં ચાલતી લાલિયા વાડ઼ીની વધુ વિગતો મેળવા માટે પ્રયત્ન કર્યો હતો. 


જામ કંડોરણાના એક નિવૃત હેડ ક્લાર્ક મનશુખભાઈ સરવૈયાનો ભેટો થયો જે મીડિયાના કેમેરા સામે તો કશું બોલવા તૈયાર ના હતા પરંતુ તેનું સ્ટિંગ ઓપરેશન કરતા તેવો એ જે કહ્યું તે ચોંકાવનારું હતું, મનસુખભાઇ નિવૃતિ બાદ પણ 3 વર્ષ જામકંડોરણા ગ્રામ પંચાયતમાં કામ કરી ચુક્યા છે, અને જયારે આ બોગસ દાડિયા મજુર ધીરુ ચના વિષે પુછાતા તેવો એ કબુલેલ હતું કે તેવો જ્યારે ગ્રામપંચાયતમાં નોકરી કરતા હતા ત્યારે આમ જ બોગસ દાડિયા મજુરને ચોપડે ચડાવેલ અને પૈસાની ઉચાપત કરતા અને ઉચાપત કરેલ પૈસા તલાટી મંત્રી અને ઓફિસ ખર્ચમાં વાપરતા હતા.


જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા પ્રથમ સરકારી સાંસ્કૃતિક ભવનનું કૌભાંડ ત્યાર બાદ બોગસ દાળિયા મજુરનું કૌભાંડ અને આ બંને ઉપર જવાદાર સરપંચ તો મીડિયા સામે આવતા જ નથી અને કોઈ જવાબ દેવા તૈયાર નથી. ત્યારે અહીંના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પણ અવારનવાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જામ કંડોરણા ગ્રામપંચાયતમાં ચાલતા ભ્રસ્ટાચાર રજૂઆતો કરી ચુક્યા છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કારણ કે આ ગામ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube