કાશ્મીરમાં શહીદ થયેલા કપડવંજના જવાનના પાર્થિવદેહને વતન લવાયો, સમગ્ર ગામમાં ગમગીન માહોલ
કપડવંજ તાલુાના વણઝારીયા ગામના 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં હરીશસિંહને ગોળી વાગી હતી.
ખેડાઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના જવાને બલિદાન આપ્યું હતું. ખેડાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાનની શહાદતથી ગામમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. વતન ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનના મૃતદેહને આજે પોતાના વતન લાવવામાં આવ્યો હતો. અહીં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
25 વર્ષીય જવાન કાશ્મીરમાં થયા હતા શહીદ
કપડવંજ તાલુાના વણઝારીયા ગામના 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં હરીશસિંહને ગોળી વાગી હતી. આજે શહીદ જવાનનો મૃતદેહ ગામમાં લવાતા ગ્રામજનોમાં શોકની લહેર દોડી ગઈ હતી. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.
શહીદ થયેલા હરિશસિંહે કપડવંજ ખાતેની સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. હરીશ સિંહને બાળપણથી આર્મીમાં જોડાવાનો શોખ હતો. વર્ષ 2016માં હરીશસિંહની આર્મીમાં પસંદગી થઈ હતી. આ સમયે તેના પરિવારમાં ખુશીનો માહોલ હતો. તેનું પ્રથમ પોસ્ટિંગ આસામ, ત્યારબાદ રાજસ્થાન અને પછી જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ મળ્યું હતું.
1 વર્ષ અગાઉ કરી હતી સગાઈ
વણઝારીયા ગામમાં હરીશસિંહના શહીદ થવાના સમાચાર મળતા ગ્રામજનો અને મિત્ર વર્તુળ પરિવારજનોના વહારે આવ્યા છે. શહીદના ઘરે ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. આર્મી જવાનની એક વર્ષ પહેલા સગાઈ થઈ હતી. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન પણ થવાના હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube