અમદાવાદ : શહેરના દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાલમાં જ અન્ય કોર્પોરેટર અને ધારાસભ્ય પર તાંત્રિક વિદ્યા કરવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ મામલે વિવાદમાં આવેલા અને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા જમના વેગડા વધુ એકવાર વિવાદમાં આવ્યા છે. જમના વેગડાએ પોતાના કાંકરિયા રોડ સ્થિત આવેલા મકાનની બહાર ત્રણ કોમર્શિયલ દુકાનો બિનકાયદેસર રીતે બાંધતા દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે તેઓને આ બાંધકામ નહી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાણીલીમડા વોર્ડમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડા તાજેતરમાં પોતાના સાથી કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવા મામલે વિવાદમાં આવ્યા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે આ વિવાદ શમ્યો નથી ત્યાં ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે. 


જમના વેગડાએ પોતાના ઘરની બહાર માર્જિનની જગ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર 3 કોમર્શિયલ દુકાનો બનાવી દીધી છે. જેના પગલે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. અધિકારીઓએ તેઓને ઘરે નોટિસ આપી હતી, પરંતુ તેઓએ નોટિસ ન સ્વીકારતાં ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.


ગેરકાયદેસર રીતે ત્રણ કોમર્શિયલ દુકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવતા તેને રોકવાની નોટિસ હાલ ફટકારાઇ છે. પરંતુ જો બાંધકામ હજી પણ રોકવામાં નહીં આવે તો કારણદર્શક નોટિસ પણ ફટકારાશે. જરૂર પડ્યે જી.પી.એમ.સી એક્ટ મુજબ પણ કાર્યવાહી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.