મુસ્તાક દલ/જામનગર :જામનગરના કાલાવડના ભાવભી ખીજડીયા નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતથી બે બાળકો સહિત 7 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. અને અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્તોને જામનગર જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું તે અત્યંત હૃદયદ્રાવક હતું. બે માસુમોની નજર સામે જ તેમના પિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં ભાઈએ જે રીતે બહેનને સાંત્વના આપી તે દ્રશ્ય જોઈ સૌ કોઈ રડી પડે તેમ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામે બે કામ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. એક કારમાં વિજય જૈનનો પરિવાર જામનગરથી જુનાગઢ તરફ જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટનામાં વિજય જૈનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો તેમના પત્નીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તો અકસ્માતમાં બીજી કારમાં સવાર લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. જુનાગઢમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોળીની રજા હોવાથી મામાના ઘરે કાલાવડ જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતમાં આ તમામ ઘાયલ થયા હતા. 


એક દ્રશ્યને જોઈ સૌ કોઈ રડ્યા
આ અકસ્માતમાં વિજય જૈનનું મોત નિપજ્યું. પણ બાકીના તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ વિજય જૈનના બંને બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. એક તરફ પિતાનું મૃત્યુ અને બીજી તરફ માતાની ગંભીર હાલત બંને માસુમો માટે આઘાતજનક હતી. તેમાં પણ દીકરો તો થોડો મોટો હતો, પરંતુ બાળકી તો સાવ નાની હોવાથી તે કંઈ સમજી રહી ન હતી. માત્ર હોસ્પિટલમાં થઈ રહેલી અવરજવર પર તેની નજર હતી. આ દ્રશ્યો કોઈનું પણ હૈયુ પીઘળાવી દે તેવુ હતું. પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા, તેથી ભાઈ પોતાની ફરજ બજાવીને હોસ્પિટલમાં નાની બહેનને સાચવી રહ્યો હતો.