મુસ્તાક દલ, જામનગરઃ  જામનગરના બર્ધન ચોકમાં શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ગેસના બાટલા તેલના ડબ્બા અને બાઈકની નનામી સાથે અંતિમ યાત્રા કાઢી. દરેક વસ્તુમાં જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તે જોતા વધતી જતી મોંઘવારીનો અનોખી રીતે કોંગ્રેસે વિરોધ કર્યો. જામનગર શહેરમાં કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસના નગરસેવકો અને આગેવાનોએ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધી નનામીઓ સાથે અંતિમયાત્રા કાઢી મારકણી મોંઘવારીનો અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, મંદી સહિતના મુદ્દાઓને લઈને દસ દિવસ સુધી અનોખા કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ જામનગર શહેરના માંડવી ટાવર પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એકઠા થઈને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું.


પોલીસ દ્વારા કાર્યક્રમ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. જોકે, સ્થાનિક ધારાસભ્ય વિક્રમ માડમે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેલના ડબ્બા ગેસના બાટલા અને બાઈકની નનામી કાઢીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો સરકાર મોંઘવારીને કાબુમાં નહીં લાવે અને દરેક વસ્તુમાં ભાવ ઘટાડો નહીં થાય તો આગામી દિવસોમાં હજુ પણ આક્રમક વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવું ધારાસભ્ય વિક્રમ માડમએ જણાવ્યું હતું. સવાલ એ પણ થાય છેકે, આગમી વર્ષે એટલેેકે, વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તો શું આ વિરોધ પ્રદર્શન પ્રજા માટે છેકે, પછી કોંગ્રેસનો આ વિરોધ માત્ર ચૂંટણીલક્ષી છે એ એક મોટો સવાલ છે.