પાક નિષ્ફળ જતાં જામનગરના ખેડૂતનો આપઘાત, તંત્રમાં દોડધામ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા ખેડૂત રાણાભાઇ ગાગિયાએ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી, તંત્ર દ્વારા ઈનકાર કરાયો છે
જામનગરઃ જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસાની વરસાદની અછતને કારણે જગતના તાતની પરિસ્થિતિ ખરાબ થઈ છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા આધેડ ઉમરના ખેડૂત રાણાભાઇ ગાગિયાએ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જોકે, તંત્ર દ્વારા પાકના કારણે ખેડૂતોની આત્મહત્યા નકારવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા અને વાવડી ગામની સીમ વિસ્તારમાં 10 વીઘા જમીન ધરાવતા રાણાભાઇ ગાગિયાએ કપાસનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. તેમના પુત્ર તથા ભાઈ અને પરિવારજનો જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત જણાતા હતા અને આજે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘરના મોભીએ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે.
ખેડૂતની આત્મહત્યાની જાણ થતાં જામજોધપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને ખેડૂત હિત રક્ષક સમિતિના પાલભાઇ આંબલીયા સહિતના ખેડૂતો આગેવાનો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમણે ખેડૂતોની આત્મહત્યા થતી અટકાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે પાક વીમા અને દેવા માફી મંજુર કરે તેવી માગ કરી હતી.
આગામી પાંચ દિવસ સુધી સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડાશેઃ નીતિન પટેલ
ખેડૂતની આત્મહત્યાને પગલે સમગ્ર વહીવટી પણ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ખેડૂતના ત્યાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા, મામલતદાર તથા ખેતીવાડી અધિકારી પણ આવી પહોંચ્યા હતા. વાવડી ગામે જે સ્થળે ખેડૂતે આત્મહત્યા કરી હતી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેતીવાડી અધિકારી દ્વારા પરિવારજનો દ્વારા જે પાક નિષ્ફળ જવાની વાત કરાઈ છે તેની તપાસ કરી હતી.
જોકે હાલ પ્રાથમિક ધોરણે તંત્ર દ્વારા પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાની વાતને નકારવામાં આવી રહી છે. પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.