ટ્રેકિંગના શોખીનોએ હવે ગુજરાત બહાર જવાની જરૂર નથી! કુદરતી સૌંદર્ય વચ્ચે....
દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.
જામનગર, મુસ્તાક દલ: જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરૂ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.
ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ વન વગડામાં ગુંજે છે. આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તેમ જ પ્રકૃતિના સંવર્ધનના સંસ્કાર પડે તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.
જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રેકીંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃતિ માણી હતી.
ત્યારબાદ તા.૨૧ ઓગસ્ટના રવિવારે જામજોધપુર નજીકના આલેચ ડુંગરની રેન્જમાં વન વિભાગે ટ્રેકીંગ યોજ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને ૮૦ લોકો જોડાયા હતા. તમામ ટ્રેકર્સ ડુંગરાળ વિસ્તારોમાં કોતરોમાં થઈને વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતા ઘાસના વિશાળ મેદાનોમાં થઈને પરત આવ્યા હતા વન વિભાગ દ્વારા પશુધન માટે જામનગર જિલ્લામાં વર્ષે દહાડે ટનબંધ ઘાસનું ઉત્પાદન પશુધન માટે કરવામાં આવે છે. તે વિશે પણ ટ્રેકર્સ માહિતગાર બન્યા હતા.
આ આયોજનમાં ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ જામજોધપુર આરએફઓ દિપકભાઈ કોડીયાતર, લાલપુર આરએફઓ મુકેશ બડીયાવદરા, જામનગર આરએફઓ રાજેન જાદવ, ધ્રોલ આરએફઓ દક્ષાબેન સોરઠીયા, દ્વારકાના ફોરેસ્ટ ઓફીસર જીવણભાઇ ગઢવી અને બીટ ગાર્ડઝએ ટ્રેકર્સની સાથે રહીને જંગલમાં સહુને માર્ગદર્શન આપ્યું હતું અને તમામની નાસ્તા, પાણી, ભોજનની વ્યવસ્થા કરાવી હતી.
આ અંગે ડીસ્ટ્રીકટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) આર. ધનપાલે જણાવ્યું હતું કે, જિલ્લાના બાળકો, યુવાનોમાં સાહસ તેમજ પર્યાવરણ રક્ષાના સંસ્કાર પડે તે માટે આવી ટ્રેકીંગ જેવી પ્રવૃત્તિ જરુરી છે. જામનગર જિલ્લામાં પણ ભરપુર પ્રાકૃતિક સુંદરતા છે. જેની જાળવણી આપણા સહુની ફરજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube