મુસ્તાદ દલ/જામનગર: જામનગરમાં બેવડી ઋતુનો ભોગ માસુમ બાળકો બની રહ્યા છે ત્યારે જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં હાલ બાળ દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. એક એક ખાટલા પર બબ્બે બાળ દર્દી સારવાર લેતા નજરે પડતા ચિલ્ડ્રન વોર્ડમાં 200 ની ક્ષમતા સામે 350 બાળ દર્દીઓ દાખલ છે જેના પગલે આરોગ્ય ક્ષેત્રે ભારે ચિંતા વ્યાપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જામનગરમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડી તેમજ બપોરેના સમયે ભારે ગરમીને લઈને બેવડી ઋતુના પગલે રોગચાળો વ્યાપક વધી રહ્યો છે, એવા સમયે આ બેવડી ઋતુના વ્યાપક રોગચાળાના ભરડામાં મોટાભાગે બાળકો સપડાઈ રહ્યા છે, જામનગરની જીજી હોસ્પિટલમાં તાવ, ઉધરસ તેમજ ઓરીના થઈને 350 જેટલા કેસો બાળ દર્દીના હાલ હોસ્પિટલમાં દાખલ છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.



જીજી હોસ્પિટલના બાળ વિભાગમાં બાળ દર્દીઓનો એકીસાથે ભરાવો થતા હાલ પલંગ ખુટી પડ્યા છે, જેના પગલે એક પલંગ પર બબે ત્રણ ત્રણ જેટલા બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે હાલ બેવડી ઋતુમાં કોઈ ફેરફાર ન થતા આ બીમારીમાં વધુ પણ બાળકો સપડાઇ શકે તેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. ત્યારે જો બાળ દર્દીની સંખ્યામાં વધારો થાય તો પરિસ્થિતિ વધુ વિકેટ બની શકે છે.



જોકે હાલ જીજી હોસ્પિટલ દ્વારા યુદ્ધના ધોરણે વધુ એક સ્પેશિયલ રૂમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેનું કામ પૂરું થઈ ગયું છે અને જેના કારણે બાળ દર્દીઓની સંખ્યામાં થોડાક અંશે ઘટાડો થશે અને બાળકોને અન્ય વોર્ડમાં શિફ્ટ પણ કરવામાં આવશે. પરંતુ બેવડી ઋતુના કારણે બાળ દર્દીઓની સંખ્યામાં થતો વધારો હાલ આરોગ્ય વિભાગ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે.