મુસ્તાક દલ/ જામનગર: આજે જૈન પરિવારના 10 વર્ષના બાળકે જૈન સમાજના સાધુ - સંતોના હસ્તે જૈન દેરાસર લાલ બંગલાના પ્રાંગણમાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી. આજ પરિવારની યુવતીએ થોડા દિવસો પહેલા જૈન દીક્ષા અંગીકાર હતી અને આગામી 14 ડિસેમ્બરના રોજ 12 વર્ષની બાળા પણ જૈન દીક્ષા અંગીકાર કરશે. ત્યારે એક જ પરિવારમાંથી ત્રણ બાળકો બાલ્યવયે જૈન દીક્ષા અંગીકાર કરશે તે ઘટના જામનગરના ઇતિહાસમાં સર્વપ્રથમ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ સિહોર નિવાસી વ્યાપારાર્થે છેલ્લા કેટલાક વર્ષથી ચંદ્રકાંતભાઈ જયંતીલાલ શાહ જામનગરમાં સ્થાયી થયેલ પરિવાર અત્યંત ધર્મભાવના ધરાવે છે. આ પરિવારમાં બાળપણથી સંસ્કૃતિ સાત્વિક સંસ્કારોનું બીજારોપણ કરવામાં આવે છે. પરિવાર સુશિક્ષિત છે. પરિવારમાંથી બી.ફાર્મ , બી.એ. એમ.કોમ. જેવી ડીગ્રી મેળવેલ છે. રાષ્ટ્ર - સમાજ , સેવાભાવી સંસ્થાઓમાં પરિવાર સક્રિયભાગ ભજવે છે. આર્થિક સમૃદ્ધ હોવા છતાં આ પરિવાર વિનયવાન- વિવેકવાન - ઉદારદિલ છે.


છેલ્લા છ માસમાં 70 વર્ષના દાદી, 24 વર્ષની દીકરીએ જૈન દીક્ષા અંગીકાર કર્યા બાદ આજરોજ 10 વર્ષનો દીકરો ચૈત્ય કુમારે જૈન દેરાસર લાલ બંગલાના પ્રાંગણમાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી તથા 12 વર્ષની દીકરી કુમારી વિરાગી 14 ડીસેમ્બરે જૈન દીક્ષા અંગીકાર કરશે. આ પરિવારમાંથી પૂર્વે 20થી વધુ જૈન દીક્ષા થયેલ છે. જેઓ અત્યારે ભારત ભ્રમણ કરી ધર્મ - સંસ્કારોથી ભૂમિપુત્રોને સીંચી રહ્યા છે. જૈન દીક્ષા ઉપલક્ષ્યમાં ગત રોજ મહેંદી રસમ , વાંદોલીનો વિદાય આદીનો કાર્યક્ર્મ સંપન્ન થયો હતો. સારી એવી સંખ્યામાં જૈન જનતા હાજર રહી હતી.


જામનગરના 100થી અધિક વર્ષના ઈતિહાસમાં સર્વ પ્રથમવાર એકજ પરિવારના બે ભાઈ - બહેન બાલ્યવયે જૈન દીક્ષા અંગીકાર કરશે તે ઘટના નોંધાવા જઈ રહી છે. આ જૈન દીક્ષા પ્રસંગે 100થી અધિક સાધુ - સંતો તથા ગુજરાત , મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી અનેક ભાવુકજનો પધાર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube