મુસ્તાક દલ/જામનગર: જામનગરના નભો મંડળમાં આગામી 25મી ઓક્ટોબરના રોજ થનારું સૂર્યગ્રહણ કે જેને નિહાળવા માટેની ખગોળ મંડળ- જામનગર દ્વારા પ્રદર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, ત્યારે ખગોળ પ્રેમીઓને તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે, તે પ્રકારે નું સૂર્યગ્રહણ જોવા મળી શકશે. શહેરના આકાશમાં કોઈ વાદળો ન હોય તો 25મી ઓક્ટોબરના સાંજે 4 વાગ્યાને 36 મિનિટથી લઈને સાંજે 6.17 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ પ્રકારનું સૂર્યગ્રહણ નિહાળી શકાશે, અને 5 વાગ્યાને 36 મિનિટે લગભગ 44 ટકા જેટલો સૂર્ય કાળો થઈ ગયેલો જોવા મળશે. જે તેની પૂર્ણ કળા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના નભો મંડળમાં આગામી 25મી ઓક્ટોબરના દિવસે વધુ એક ખગોળીય ઘટના યોજાવા જઈ રહી છે, અને 25મી ઓક્ટોબરના દિવસે સાંજના સમયે લગભગ એકાદ કલાકના સમયગાળા માટે ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યું છે અને જામનગરની જનતા ઉપરોક્ત સૂર્યગ્રહણને નિહાળી શકે, તે માટે શહેરની ખગોળ મંડળ સંસ્થા દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં અત્યાધુનિક ટેલિસ્કોપ તથા અન્ય ઉપકરણોના માધ્યમથી સૂર્યગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો નગરના ખગોળ પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.



આગામી 25મી ઑક્ટોબરના રોજ જામનગરના નભોમંડળમાં થનારૂં ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ આપણે ત્યાં સાંજે 4.37 કલાકે શરૂ થશે,5.36 કલાકે સૂર્ય વધુમાં વધુ ગ્રસ્ત થયેલો જોવા મળશે. આ સમયે સૂર્ય 44 ટકા જેટલો કાળો થઈ જશે. ત્યારબાદ 6.17 કલાકે સૂર્ય અસ્ત પામશે અને 6.31 કલાકે ગ્રહણ પૂણઁ થશે, ત્યારે સૂર્ય પશ્ર્ચિમ આકાશમાં ડૂબી ગયો હશે. સૂર્ય ગ્રહણ વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જવાથી સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાય છે, અને આપણે સૂર્ય ગ્રહણ જોઈ શકીએ છીએ. દરેક અમાસ સમયે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હોય છે, પરંતુ ત્રણેય એક સમતલમાં ન હોવા થી દરેક અમાસે સૂર્ય ગ્રહણ નથી થતું.


સૂર્ય ગ્રહણ જોવાની સલામત રીત
આપણે સૌ જાણીએ છીયે કે સૂર્ય અતિ પ્રકાશીત પીંડ છે. તેની સામે જોવાથી સૂર્ય પ્રકાશ ની ગરમી અને તેની સાથે રહેલા પારજાંબલી અને અધોરકત કિરણો આંખ ને અંધાપાની હદ સુધી નુકસાન કરી શકે છે. આ માટે યોગ્ય સુરક્ષીત ફિલ્ટર  જે સૂર્ય પ્રકાશ ને એક લાખ ગણો ઓછો કરી સાથે પારજાંબલી અને અધોરકત કિરણો ને શોષી લે તેવા ચશ્માનો ઉપયોગ કરી શકાય. સુરક્ષિત ફિલ્ટર તરીકે વેલ્ડિંગ માં વપરાતો ૧૪ અથવા ૧૬ નંબર નો ગ્લાસ વાપરી શકાય. તડકા માં સામાન્ય રીતે પહેરવામાં આવતા ગોગલ્સ અથવા પોલરોઇડ ચશ્મા અસુરક્ષિત છે. મેશ લગાડેલા કાચ અથવા એકસપોઝ થયેલી  એક્ષરે ફિલ્મ પણ આંખ ને નુકસાન પહોંચાડી શકે છે. પીનહોલ કેમેરાથી ગ્રહણ વખતે સૂર્યનું પ્રતિબિંબ મેળવી સલામત રીતે જોઈ શકાય. સાદા અરિસા ઉપર ગોળ કાણાં વાળો જાડો કાગળ ચિપકાવી સૂર્યનું પ્રતિબિંબ અંધારા ઓરડામાં ઝીલી સુરક્ષિત રીતે ગ્રહણ જોઈ શકાય.


સૂર્ય ગ્રહણ સમયે પ્રવર્તમાન અંધશ્રધાઓ


  • આ બધી માન્યતા વજૂદ વગરની છે, અને કોઈ પણ પ્રકારનું વૈજ્ઞાનિક સ્થાન નથી.

  • ગ્રહણ સમયે રાંધેલો ખોરાક અથવા સંધરેલું પાણી વાપરવું નહીં એ ગ્રહણ ને કારણે દૂષિત થવાને કારણે ફેંકી દેવું. વિજ્ઞાન પરિક્ષણ બાદ આ વાત માં કોઈ તથ્ય જણાયેલું નથી.

  • ગર્ભવતી મહિલાએ ગ્રહણની છાયા પોતાના શરીર ઉપર ન પડવા દેવી. ચિકિત્સક દ્વારા આ માન્યતાનું સંપૂર્ણ ખંડન કરવામાં આવે છે.

  • ગ્રહણ પૂર્ણ થયા બાદ પવિત્ર નદી માં સ્નાન, પૂજા, દાન વગેરે કરવા. આમાં ધામિઁક ભાવના સિવાય કોઈ જ વજૂદ નથી.

  • ગ્રહણ  સમયે બહાર ખુલ્લામાં જવાથી રાહુ કેતુની ખરાબ અસર પડે છે. આ માન્યતામાં કશું તથ્ય નથી.


સૂર્ય ગ્રહણ જોવું તે અદભુત લ્હાવો છે
અંધશ્રદ્ધામાંથી બહાર આવી સૂર્ય ગ્રહણને સાક્ષાત નીહાળી આ ખગોળીય ધટનાના સાક્ષી બનવા જામનગરની ખગોળ મંડળ સંસ્થા જામનગર શહેર જિલ્લાના સર્વે નાગરિકોને અનુરોધ કરે છે.



જામનગર દ્વારા સૂર્ય ગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ
જામનગર શહેરની ખગોળ પ્રેમી જનતા કે જેઓ સૂર્યગ્રહણને અધ્યાધુનિક ટેલિસ્કોપ તેમજ સૂર્યગ્રહણના ચશ્મા, પિન હોલ કેમેરા, વેલ્ડીંગ માટે વપરાય તેવા હાઈ ક્વોલિટીના ગ્લાસ સહિતના અત્યાધુનિક ઉપકરણો સાથે સૂર્યગ્રહણને નિહાળવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


જામનગરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાં માજી રાજવી દ્વારા તૈયાર કરાયેલી સમાધિના સ્થળના નજીકના ભાગમાં ખગોળ મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને 25મી ઓક્ટોબરના સાંજે સાડા ચાર વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌ કોઈ નગરજનો અથવા ખગોળ પ્રેમીઓ સૂર્યગ્રહણ નિદર્શનના કાર્યક્રમનો લાભ લઈ શકે છે, અને સૂર્યગ્રહણ ની ઘટનાના સાક્ષી બની શકે છે.


જુઓ આ પણ વીડિયો:-