યોગીન દરજી/રાજુ રૂપારેલિયા/અમદાવાદ :‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે રાત્રે 12ના ટકોરે દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત અને દેશ દુનિયાના ઈસ્કોન મંદિરોમા પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવી હતી. ભગવાનનાં દર્શન માટે ભક્તોનું મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય રણછોડ, માખણ ચોર તથા હાથીઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તા ઝૂમી ઉઠ્યા હતાં. ત્યારે ડોકારના ઠાકોરને સવા લાખનો મુકુટ અર્પણ કરાયો હતો, તો દ્વારકામાં એક ભક્ત દ્વારા ચાંદીની ધ્વજા અર્પણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકોરજીને સોનાના પારણે ઝૂલાવાયા
જન્માષ્ટમીએ રાત્રે કૃષ્ણ જન્મ સમયે યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીને સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ બાદ બાળસ્વરૂપ ગોપાલ લાલજીને પારણે ઝૂલાવવામાં આવ્યા હતા. આ નજારો ભક્તો માટે મનમોહક બની રહ્યો હતો. જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.



ડાકોરના ઠાકોરને સવા લાખ નો મુગટ અર્પણ કરાયો
જન્માષ્ટમીના પર્વ પર ડાકોરનું અનેરુ મહત્વ હોય છે. આવામા લાખો ભક્તો મંદિરમાં વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ગઈકાલે જન્માષ્ટમી પર ડાકોરના ઠાકોરને સવા લાખનો મુગટ અર્પણ કરાયો હતો. વર્ષો જૂનો ખંભાતના નગરપતિ દ્વારા મંદિરને મુગટ ભેટ કરાયો હતો. સોના, ચાંદી, હીરા જડિત મુગટ વર્ષમાં માત્ર બે પૂનમ અને જન્માષ્ટમીના દિવસે જ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. સવા લાખનો મુગટ ધારણ કરેલ ઠાકોરજીનું અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય  બન્યા હતા. 



દ્વારકામાં ભક્તે ચાંદીની ધજા ચઢાવી
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા ચાંદીની ધજા અર્પણ કરાઈ હતી. ગાંધીનગરના હથીજણના રહેવાસી નંદુભાઈ પટેલ જન્મોત્સવ પ્રસંગે પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા હતા. 14 દિવસનું અંતર કાપીને તેઓ ગઈકાલે જન્માષ્ટમીએ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચાંદીની 1 કિલો 930 ગ્રામ વજનની ધજા અર્પણ કરી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા ગઈકાલે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દ્વારકાના જગતમંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. તેમજ પ્રાંગણમાં ગરબા લઈને આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ  ભીડને લઈને સુરક્ષા કર્મચારીઓ પણ ખડેપગે મંદિરની સુરક્ષામાં તૈનાત રહ્યાં હતાં. મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જેના અજવાસમાં મંદિરની ધજા દૂરદૂર સુધી લહેરતી નિહાળી ભક્તોને અપાર આનંદની અનુભૂતિ થઈ રહી હતી.