જસદણ પેટા ચૂંટણી : કુંવરજી બાવળીયાની કથિત વાયરલ ઓડિયો ક્લિપથી વિવાદ
અમદાવાદ #જસદણ પેટા ચૂંટણી જંગમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં હવે અપક્ષ ઉમેદવારોને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની કથિત ઓડિયો ક્લિપ સામે આવતાં નવો વિવાદ થયો છે. આ ઓડિયો ક્લિપમાં અપક્ષ ઉમેદવારને એવું કહેવામાં આવી રહ્યું છે કે, પટેલના મત તમે લેજો બાકી અમારા માટે રાખજો.... ઝી મીડિયા આ ઓડિયો ક્લિપની ખરાઇ નથી કરતું.
જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને બળિયાઓ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઓડિયો ક્લિપ અંગે જણાવ્યું કે, અગાઉ કુંવરજી બાવળીયા કોંગ્રેસના હેલીપેડ પર હેલિકોપ્ટર ઉતારતા હતા, હવે અઘરૂ પડે એમ હોવાથી ક્યાંક અપક્ષ ઉભા રાખવા, લ્હાણી કરવી, વહીવટી તંત્રનો દુરઉપયોગ કરવો એ કરવું પડી રહ્યું છે. હવે એમને એવું લાગી રહ્યું છે એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે.
અવસર નાકિયાએ કહ્યું કે, આજે ભાજપની જે ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે, અપક્ષના ઉમેદવારો સાથે એમને જે કરવું હોય એ કરે. અમારા કોંગ્રેસના મતદારો અકબંધ રહેવાના છે. ભાજપના ઉમેદવારને હારી જવાના ડરથી એમણે અપક્ષ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પરંતુ અમને કોઇ ડર નથી. પટેલના જે મત છે એ સ્વયંભૂ છે એ કોંગ્રેસ સાથે છે અને રહેવાના છે. અમારા મતમાં ઉમેરો થશે.