આજે જસદણમાં મતગણતરી, ભાજપ જીતશે કે કોંગ્રેસ ફાવશે?
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ઈલેક્શનના પરિણામ બાદ હવે ગુજરાતમાં બંને પક્ષો માટે આજનો દિવસ કસોટીનો દિવસ છે. આજે જસદણની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે અને પછી પરિણામ આવશે. આ જનાદેશમાં ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ ફાવશે? બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેઓએ કોને પસંદ કર્યાં છે.
રાજકોટ : રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ઈલેક્શનના પરિણામ બાદ હવે ગુજરાતમાં બંને પક્ષો માટે આજનો દિવસ કસોટીનો દિવસ છે. આજે જસદણની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે અને પછી પરિણામ આવશે. આ જનાદેશમાં ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ ફાવશે? બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેઓએ કોને પસંદ કર્યાં છે.
20મી ડિસેમ્બરના રોજ જસદણની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણમાં 71.27 ટકા મતદાન થયું હતું. 1,65,325 મતદારોએ મતદાન કર્યું હતું. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં મતદારોએ વોટ આપ્યો હતો. શતાયુ મતદારો તથા વૃદ્ધો પણ લાકડીને ટેકે મત આપવા આવ્યા હતા. ત્યારે જસદણની જનતા પણ રાહ જોઈને રહી છે. આજે મતગણતરી હોઈ અત્યારથી જસદણના ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કોણ આવશે સત્તા પર.
આજે મતગણતરી
આજે 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે. 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.
જસદણની જીત ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની બની ગઈ છે. બંનેમાંથી જે પણ પાર્ટી જીતે અને હારે તો તેના માટે લોકસભાના ઈલેક્શન માટેના સમીકરણો બદલાઈ જશે. આવનારા દિવસોમાં ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો વચ્ચે હાર-જીતનુ ઠીકરૂ ફોડવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. આજે પરિણામ બાદ મોવડી મંડળ શું પગલા લે છે તેની ચર્ચા હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીમાં બંને પક્ષોએ એડી-ચોટીનું જોર લગાડવામાં કોઇ જ કસર છોડી નહોતી. જે માટે બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા.