અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જસદણની પેટા ચૂંટણીનો આજે મતદાન દિવસ છે. 2 લાખ કરતા પણ વધારે મતદારો મતદાન કરશે. આ બેઠક પર કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. બંન્ને એક સમયના સાથી અને ગુરુ-ચેલા છે. પરંતુ કુંવરજી બાવળિયાએ પક્ષ પલટો કરતા હવે બંને સામ સામે થયા છે. મહત્વનું છે, કે જસદણની બેઠક પર જીત મેળવવીએ કોંગ્રેસ માટે શાખનો પ્રશ્ન છે તો ભાજપના કુંવરજી બાવળિયા માટે પણ સીટ જાળવી રાખવાનો મોટો પડકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને પક્ષોએ મેદાને ઉતાર્યા સ્ટાર પ્રચારક
જસદણની પેટાચૂંટણી જાણે રાજ્યસભાની ચૂંટણી હોય તેવો માહોલ જોવા મળ્યો. ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી હતી. તો કોંગ્રેસ પણ પાછળ ન રહેતાં અનેક નેતાઓ ચૂંટણીનો પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જતાં બંને પક્ષના ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જસદણમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી,38 ધારાસભ્ય,5 સાંસદ અને 6 પૂર્વ મંત્રીઓની ટીમ પ્રચાર માટે મેદાને આવી હતી. તો કોંગ્રેસ તરફથી પણ નવજોતસિંહ સિદ્ધુ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા જેવા અનેક દિગ્ગજોએ મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.


વઘુમાં વાંચો...જસદણનો જંગ: કિંમતી મત આપવા માટે સુરતથી 3બસ ભરી મતદારો ઉપડ્યા


તમામ તૈયારીઓ થઇ પૂર્ણ 
ચૂંટણી પંચે પેટાચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 262 મતદાનમથક પર 288 EVM દ્વારા મતદાન યોજાશે. મહિલાઓ માટે ખાસ 2 સખી પોલિંગ બૂથ બનાવાયા છે. મતદાન મથકનું 24 જગ્યાએથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તો 25 પોલિંગ સ્ટેશન પર કેમેરાથી નજર રખાશે. આ સિવાય કોઈ પણ જાતની મુશ્કેલી ન સર્જાય તે માટે CRPF અને પોલીસને પૂરતો સ્ટાફ ખડેપગે રહેશે.


ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
જસદણની પેટા ચૂંટણીમાં 1100 જવાનો ફરજ બજાવશે. જેમાં પોલીસના 306, જીઆરડીના 311, પેરા મેલિટરીની છ કંપનીના 540 જવાનને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 159 સ્થળ પર 262 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 72 સ્થળો પર આવેલા 126 બૂથ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.


વધુ વાંચો...જસદણ પેટા ચૂંટણી : કુંવરજી બાવળીયા પાંચ વાર જીતી ચૂક્યા છે 'જસદણનો જંગ'


સૌથી વધુ કોળી મતદારો
જસદણ બેઠકના સમીકરણની વાત કરીએ તો જસદણમાં કુલ 8 ઉમેદવારો વચ્ચે ખરાખરીની લડાઈ છે. પરંતુ કોંગ્રેસના અવસર નાકીયા અને ભાજપના કુંવરજી બાવળિયા વચ્ચે મુખ્ય લડાઈ છે. જસદણમાં કુલ 2 લાખ 32 હજાર 236 મતદારો છે. જેમાં 1 લાખ 22 હજાર 180 પુરુષ મતદારો અને 1 લાખ 9 હજાર 936 મહિલા મતદારો છે. જસદણ વિધાનસભામાં કુલ 105 ગામોનો સમાવેશ થાય છે. જેમાં 35 ટકા કોળી,20 ટકા લેઉઆ પાટીદાર,7 ટકા કડવા પાટીદાર,8 ટકા ક્ષત્રિય,7 ટકા લઘુમતી મતદારો અને 23 ટકા અન્ય મતદારો છે.


કોંગ્રેસ અને ભાજપ બંનેએ કોળી ઉમેદવાર ઉભા રાખતા કોળી મતદારો બે ભાગમાં વહેંચાઈ ગયા હોય તેવું લાગે છે. આ સંદર્ભમાં પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ત્યારે એ જોવાનું રહેશે કે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળાશે. 20 ડિસેમ્બરે ચૂંટણી બાદ આગામી 23 તારીખ એટલે કે રવિવારે ઇવીએમ મશીન ખુલવાની સાથે કુંવરજી અને અવસર નાકિયામાંથી કોનું નસીબ જોર કરશે એ તો સમય જ બતાવશે.