પોલીસ પકડથી દૂર જયંતી ભાનુશાળીનો હત્યારા છબીલ પટેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ દેખાયો
રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ : રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
છલીબ પટેલ ફેન ક્લબ છે
જયંતિ ભાનુશાળી હત્યા કાંડમાં સંડોવાયેલ છબીલ પટેલ હાલમાં વિદેશમાં છે. પરંતુ છબીલ પટેલ વોટ્સઅપ ફેન ગ્રુપમાં સક્રિય છે અને કચ્છની ઘટનાની રજેરજની માહિતી મેળવી રહ્યો છે. છબીલ ફેન ક્લબમાં 198 સભ્યો છે. જેમાં ભાજપના નેતા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે. છબીલ પટેલ કેટલાક લોકો સાથે વૉટ્સએપ કોલિંગથી સંપર્ક પણ કરી રહ્યો છે. ત્યારે છબીલ પટેલના ત્રણ માણસોના નિવેદન નોંધાઈ ચૂક્યા છે.
પોલીસે ઝડપી લીધેલા નિતીન અને રાહુલ રિમાન્ડ દરમિયાન ચોકવનારી કબૂલાતો સામે આવી છે. આ ઉપરાંત આ હત્યાકાંડમાં અન્ય પાંચ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. સાથે જ આ હત્યા કાંડને પાર પાડવા 5 કરોડની સોપારી ચૂકવવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ બંન્ને શખ્સોની કબૂલાતના આધારે પોલીસ તપાસને આગળ વધારી છે, જેના કારણે આગામી દિવસોમાં નવા વળાંકો આવી શકે એવા એંધાણ દેખાય રહ્યાં છે. પોલીસે છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં કામ કરતા નિતીન અને રાહુલને ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને શખ્સોએ જયંતી ભાનુશાળીને મારી નાખનાર શાર્પ શૂટરને ઓળખી બતાવ્યા છે.
પોલીસે આ બનાવના 16માં દિવસે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના ઈશારે સુરજીતભાઉના શાર્પ શૂટરે ભાનુશાળીને મોતને ઘાટ ઉતારી દીધાનું જાહેર કર્યું હતું. દરમિયાન પોલીસે રાહુલ અને નિતીનના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આ બંને શખ્સોએ ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, ભાનુશાળી હત્યા કેસમાં ભાનુશાળીના નજીકના એક વ્યક્તિ ની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે જેને લઇને પોલીસ વધુ તપાસ પણ કરી રહી છે. તો આ કેસમાં વધુ અન્ય પાંચ શખ્સોની સંડોવણી હોવાની વિગત સામે આવી છે. જેના પગલે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં નવી ધરપકડ થાય તો પણ નવાઈની વાત નથી.
જયંતી ભાનુશાળી હત્યાકાંડનું કાવતરું રેલડી ગામે આવેલા છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં ઘડાયું હતું. પોલીસે કેસને મજબૂત કરવા માટે નારાયણી ફાર્મ હાઉસમાં કામ કરતા ત્રણ માણસોના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે આ શખ્સોની પણ પૂછપરછ કરી છે. જેમાં પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે આ અંગે પોલીસે કહેવાનું ટાળી રહી છે.