કથિત બળાત્કાર કેસઃ પીડિતાએ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું સોગંદનામું, ભાનુશાળીને મળી રાહત
આ કેસની વધુ સુનાવણી આગામી 7 ઓગસ્ટે હાથ ધરાશે.
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર બળાત્કારનો આરોપ લગાવનાર સુરતની યુવતીએ આજે (3 ઓગસ્ટ) ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં યુવતીએ ફરિયાદ આગળ ન વધારવાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના નિવેદન મામલે તપાસ અધિકારીઓ તપાસ કરશે. આ કેસની વધુ સુનાવણી 7 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. કોર્ટે પીડિતાને પૂછ્યું કે, શું તમે તમારી મરજીથી સોગંદનામું રજૂ કર્યું છે. કોર્ટે કહ્યું કે, આ મુદ્દે હજુ વિચારી લો. આમ હવે આ કેસમાં પીડિતાના સોગંદનામા બાદ જયંતિ ભાનુશાળીને રાહત મળી શકે છે. બીજીતરફ પોલીસે સમન્સ મોકલવા છતા ભાનુશાળી એકપણ વખત પોલીસ સમક્ષ હાજર થયો નથી.
શું છે આખો કેસ?
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાના બહાને કારમાં તથા અમદાવાદની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેમજ પીડિતાનો અશ્લીલ વીડિયો મોબાઇલમાં ઉતારી લઇ બ્લેકમેલિંગ પણ કર્યુ હતું. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પણ ભાનુશાળીએ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ હતું.