`બીજા ઉપાધિ કરવાનું બંધ કરી દેજો, આ ખેતર મારા બાપનું છે`, રાદડિયાનો જૂનો VIDEO વાયરલ

2024ના ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલ સમૂહ લગ્નમાં રાદડિયાએ આ નિવેદન આપ્યું હતું. જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં જયેશ રાદડિયાએ સભામાં લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા જણાવ્યું હતું કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો સમાજની વાત આવી ત્યારે મેં રાજકારણ એકબાજુ રાખ્યું છે. સમાજના વ્યક્તિ આગળ જાય તો સહકાર આપજો.
Jayesh Radadiya: IFFCO ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. જયેશ રાદડિયાની IFFCO ના નવા ડિરેક્ટર તરીકે હવે સત્તાવાર વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટ છતાં બિપિન પટેલની હાર થતાં ગુજરાતના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જયેશ રાદડિયાને મેન્ડટ ન મળ્યો હોવા છતાં તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં જયેશ રાદડિયાનો એક વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. જેમાં રાદડિયા એક સભામાં હુંકાર સાથે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રાદડિયાએ સભામાં IFFCO ને પોતાના બાપાનું ખેતર ગણાવ્યું હતું.
જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્નમાં રાદડિયાનો હુંકાર
2024ના ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલ સમૂહ લગ્નમાં રાદડિયાએ આ નિવેદન આપ્યું હતું. જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં જયેશ રાદડિયાએ સભામાં લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા જણાવ્યું હતું કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો સમાજની વાત આવી ત્યારે મેં રાજકારણ એકબાજુ રાખ્યું છે. સમાજના વ્યક્તિ આગળ જાય તો સહકાર આપજો. સમાજના આગેવાનને પાડી ન દે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય, સરદાર પટેલ બાદ બીજો સરદાર સમાજને મળ્યો નથી એ કમનસીબી છે. મજબૂત આગેવાનને સ્વીકારજો માયકાગ્લાને નહિ. સમાજની કમનસીબી છે કે એક રહેવા માટે હાંકલ કરવી પડે છે. સમાજ સંગઠિત નહિ થાય તો આવનારા સમયમાં કોઈ નહિ બચાવે. 80 ટકા થી વધુ લેઉવા પટેલ પાટીદાર સમાજ ગામડામાં મુશ્કેલીમાં છે. અમારો વિસ્તાર હોય કે ન હોય જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે.
બીજા ઉપાધિ કરવાનું બંધ કરી દેજો: જયેશ રાદડિયા
જયેશ રાદડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કહ્યું કે, ‘અમે રાજકીય માણસો છે, એટલે સ્વાભાવિક અમે સમય આવે એટલે રાજકારણ તો કરવાના જ...સામાન્ય ગામડાની અંદર શેઢે હાલવાના નથી પટેલીઓ..શેઢે માટે નથી હલાવતા તો અહીંયા તો મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે, જેથી અહીં લડવાનો અધિકાર મારો છે. આ ખેતરમાં મારૂ 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમયે આવે આપણા ખેતરમાં કોઇને આવવા દઇએ છીએ? કોઈને નથી આવવા દેતા. અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય. જ્યા સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યા સુધી હું જ લડવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાધી કરતા હોય તો એ પણ બંધ કરી દેજો. એ પવન આમથી ઉપડશે પોરબંદર સુધી ભલે, આમથી પણ ઉપડવો હોય તો પણ ભલે, આપણું ચાલું થાય ત્યાં પવન પણ શાંત થઈ જાય છે એટલે અહીં હારા હારા વાવાઝોડા વિઠ્ઠલભાઈ સામે શાંત થઈ ગયા
પાટીલ સામે દિલીપ સાંઘાણીનો આરોપ
ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઈફકોના ચેરમેન પદે આવતી કાલે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાશે:. જી હા... સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે. આવતી કાલે દિલ્લીમાં યોજાશે ઈફકોના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી અને આ ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરી એકવાર ઈફકોના ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા બનશે. આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ આવતીકાલે ઈફ્કોના સુકાનીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઈફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી યથાવત રહેશે તેવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. આ સાથે જ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ડિરેક્ટર તરીકે જીત મેળવતાં સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પાટીલનું નામ લીધા વગર કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા નહોતી તો પછી કોના માટે મેન્ટેડ લઈ આવ્યા?
સીઆર પાટીલની પ્રતિક્રિયા
આ બધાની વચ્ચે સીઆર પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ભાજપમાં એકથી વધુ કોઈની પાસે હોદ્દો ના હોવો જોઈએ. એટલા માટે બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે જેને મેન્ડેટ મળે એ જ ચૂંટણી લડે એવી ભાજપની નીતિ રહી છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીમાં 350 ચૂંટણીઓ થઈ તેમાંથી સહકારી ક્ષેત્રમાં 349 ચૂંટણીઓ ભાજપે મેન્ડેટના આધારે જીતી છે. પાટીલે આરોપ લગાવ્યો કે કેટલાય લોકો સહકારના નામે ઈલુ ઈલુ કરતા હતા અને અલગ અલગ પક્ષો સાથે મેળાપીપણામાં BJPને નુકસાન કરતા હતા. આ કારણે ભાજપે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરી છે.