નકલી ટોલનાકા કૌભાંડમાં પુત્રના પાપે જેરામ પટેલની કારકિર્દી થઈ શકે છે તહસનહસ; બે આગેવાનનો AUDIO વાયરલ
સીદસર ઉમિયાધામના પ્રમુખ પદેથી જેરામ પટેલ આપી શકે છે રાજીનામુ. મોરબી ટોલનાકામાં પુત્ર અમરિશ પટેલનું નામ આવતા રાજીનામુ લેવા માટે પાટીદાર સમાજના નામે વાયરલ થઈ પત્રિકા. મોરબીના નકલી ટોલનાકાના કેસમાંથી જેરામ પટેલના પુત્રને બચાવવા હવાતિયા. સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાની કથિત ઓડિયો કલીપ થઈ વાયરલ. જેરામ પટેલના પુત્રનું ફરિયાદમાંથી નામ દૂર કરવાની ચર્ચા.
ઝી બ્યુરો/રાજકોટ: નકલી ટોલનાકા કૌભાંડમાં પુત્રના પાપે પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલની કારકિર્દી તહસનહસ થઈ શકે છે. જી હા...ટોલ કૌભાંડમાં પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ સિદસર ઉમિયા ધામના પ્રમુખ અને અમરશી પટેલના પિતા જેરામ પટેલનું પદ છીનવાઈ શકે છે. સિદસર ઉમિયા ધામ ટ્રસ્ટ તરફથી જેરામ પટેલને સંકેત આપી દેવામાં આવ્યા છે.
પાટીદાર સમાજની મિટીંગ યોજાવાની પત્રિકા થઈ વાયરલ
જેરામ પટેલના પુત્રના કાંડ બાદ આખો પાટીદાર સમાજ બદનામ થઈ રહ્યો છે જેના કારણે તેમને પદ છોડવાની નોબત આવી શકે છે. એટલું જ નહીં, મોરબી ટોલનાકા કાંડમાં આખો પાટીદાર સમાજ બદનામ થતો હોવાનો ઉલ્લેખ કરતી એક પત્રિકા વાયરલ થઈ છે. જેમાં બકાયદા એવી માંગ કરવામાં આવી છે કે, આ બદનામી અટકાવવા માટે જેરામ પટેલ સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દે. નહીં તો સમાજની આબરૂ ધૂળધાણી થઈ જશે. આ પત્રિકા વાયરલ થયા બાદ આવતીકાલે રાજકોટમાં પાટીદાર સમાજના આગેવાનોની એક ખાસ બેઠક મળવા જઈ રહી છે. જેમાં જેરામ પટેલનું રાજીનામું લેવા અંગેનો નિર્ણય થઈ શકે છે. એટલે કે, પુત્રનાં કારનામાના કારણે પિતાએ પાટીદારોની સંસ્થાના પ્રમુખ જેવું મોભાનું પદ છોડવાની નોબત આવી છે.
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપી શકે છે રાજીનામું
પત્રિકા વાયરલ થયા બાદ સમાચાર મળી રહ્યા છે કે સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપી શકે છે. સિદસર ઉમિયાધામની 6 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં જેરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે. જેરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદ્દત વયમર્યાદાના કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે. પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તેના પહેલા જ જેરામ પટેલને આ મોભાનું પદ છોડવું પડી શકે છે. જેરામ પટેલને પદ છોડવાનો વારો તેમના પુત્રએ કરેલા એક કૃત્યના કારણે આવી શકે છે. મોરબી નકલી ટોલનાકામાં પુત્રનું નામ સામે આવ્યા બાદ જેરામ પટેલ પર પદ છોડવાનું સામાજિક દબાણ વધી રહ્યું હોવાની પણ ચર્ચા છે.
જગદીશ કોટડિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ
મોરબીના નકલી ટોલનાકાના કેસમાંથી જેરામ પટેલના પુત્રને બચાવવા હવાતિયા મારી રહ્યા છે. તત્યારે સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેરામ પટેલના પુત્રનું ફરિયાદમાંથી નામ દૂર કરવાની ચર્ચા ચાલી રહી છે.
જેરામ પટેલના દીકરાનું નામ કઈ રીતે નીકળે તેની ચર્ચા
આ વિશે માહિતી મળી રહી છે કે મોરબી વઘાસીયા પાસે ઝડપાયેલ નકલી ટોલનાકા મામલે પાટીદાર સમાજના બે આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે. જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બન્ને આગેવાનો જેરામ પટેલના દીકરાનું નામ કઈ રીતે નીકળે તેની ચર્ચા કરી રહ્યા છે. અમરશીભાઈ પટેલનું નામ આરોપીમાંથી દૂર કરવાની વાત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે નકલી ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાન સહિત 5 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે...