Gujarat Election 2022, શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: આજનો યુગમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીત મેળવનારા ઉમેદવારો પાંચ વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરે છે ત્યારે ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ આજે પણ બીપીએલ ધારાસભ્ય તરીકે જીવન રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં વિધાનસભાની ચુંટણીનું બ્યુગલ વાગી રહ્યુ છે તો પુર્વ ધારાસભ્યો પોતાની વૈભવી કાર અને વૈભવી મકાનમાં જીવન જીવે છે, ત્યારે સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા એક એવા પુર્વ ધારાસભ્ય છે કે જેમના ઘરે હજુ પણ ચુલા પણ જમવાનુ બને છે. પાંચ દીકરાઓ તેમજ પાંચ પુત્રવધૂઓનો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે ત્યારે સમગ્ર જીવન નીતિમત્તા ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજે રાજ્ય સરકાર દ્વારા અપાતા બીપીએલ કાર્ડનો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઇ રાઠોડ નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે. તેમને સમગ્ર જીવન અન્ય લોકોની સેવા માટે વ્યતિત કર્યું છે.


ગુજરાત વિધાનસભામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ રાઠોડ સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્મા થી ગાંધીનગર જતા હતા દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામ ને પ્રાધાન્ય આપ્યું હતું અને ૩૦ જેટલા તળાવ બનાવ્યા હતા. જેને લોકો આજે પણ યાદ રાખે છે. આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુઃખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ સહાય અપાઈ નથી.
 
સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદીથી આજદિન સુધી કેટલાય ધારાસભ્યો મેળવી ચૂકી છે. જોકે સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈનું નામ વિશેષ રીતે જાણીતું છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ સાયકલ પ્રવાસ કરી સમગ્ર મત વિસ્તારમાં વિકાસના કાર્યો કરતા હતા. આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા નથી કોઈ સહાય મળી કે નથી પેંશનનો લાભ. 


એક તરફ પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો તો બીજી તરફ જે તે સમયે અદાલતમાં જઇ ન્યાય મેળવવાની ગુહાર લગાવતા નિર્ણય પણ તેમના પક્ષે આવ્યો હોવા છતાં આજદિન સુધી પેન્શન મળી શક્યું નથી. સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્યની આજે પોતાની પરિસ્થિતિ સામે જોવા માટેનો પણ સમય સરકાર પાસે નથી. જો કે ધારાસભ્યનું માનીએ તો પાંચ દીકરા અને પાંચ પુત્રવધૂઓ મજૂરી કરી આજે તેમના જીવનનિર્વાહ ચલાવે છે.


આમ તો એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નેતાઓની કમાણી પાંચ વર્ષમાં લાખોની સંપત્તિ બની જાય છે. જ્યારે બીજી તરફ પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરનારા આ ધારાસભ્ય પાસે આજે પણ બીપીએલ રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલું મકાન એ જ તેમની મૂડી છે. ત્યારે પ્રમાણિકતા અને નિષ્ઠા કેટલા અંશે જેઠાભાઇ રાઠોડના જીવનમાં સફર બની રહે છે તે જોવું રહ્યું. જો સરકાર કોઈ સહાય આપે તેવી પણ હાલ તો પરિવાર માંગ કરી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube