રાજકોટઃ જેતપુરના 6 ગામના 56 ખેડૂતોએ આત્મવિલોપનની અરજી આપતા ખળખભાટ
SBI દ્વારા 2016-17નો મગફળીનો વિમો 123 જેટલા ખેડૂતને મળ્યો નથી.
રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરના 6 ગામના 56 ખેડૂતોની આત્મવિલોપનની અરજીથી ખળખભાટ મચી ગયો છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યે છે કે, SBI દ્વારા 2016-17નો મગફળીનો વિમો 123 જેટલા ખેડૂતને મળ્યો નથી. આ વિમાની રકમ અંદાજે રૂ.1.5 કરોડ થાય છે. જેને લઈને શુક્રવારે એક ખેડૂતે અરજી આપી હતી. પરંતુ પોલીસે ખેડૂતની અટકાયત કરી લેતા મામલો બિચક્યો હતો. ખેડૂતો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને ધસી આવ્યા હતા. 6 ગામના કુલ 56 ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીને ઉગ્ર વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં ઉધડો લીધો હતો. રાદડિયાએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.
ત્યારે જયેશ રાદડિયાનું કહેવું હતું કે ખેડૂતોને હજી ગયા વર્ષનો વીમો ભરી દીધો નથી. આ માટે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.