જુનાગઢમાં મકરસંક્રાંતિનો તહેવાર માતમમાં ફેરવાયો, સેલ્ફી લેવાના ચક્કરમાં 4 ભાખરવડ ડેમમાં ડૂબ્યા, 3નાં મોત
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી પાણીમાં ડૂબી ગયા છે. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા.
જૂનાગઢ: જૂનાગઢમાં મકરસંક્રાંતિનો તહેવાર માતમમાં ફેરવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા છે, જેમાં 3 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સેલ્ફી લેવા જતાં એક પછી એક ચાર લોકો પાણીમાં ડૂબ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી પાણીમાં ડૂબી ગયા છે. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.
આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ યુવાનોને તરવૈયાઓ અને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવતી અને બે યુવકોના મોત થયા હતા. જ્યારે એક યુવક હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ ઘટનામાં માહિતી મળી રહી છે કે એક યુવક અને યુવતી કેશોદ તાલુકાના થલી ગામના રહેવાસી હતા. જેઓ સગા ભાઈ-બહેન છે જેઓનું ડુબી જવાથી મોત થયું છે. હેતલબેન તેમજ જીતેન્દ્રગીરી નામના ભાઈ-બહેનનું મોત થયું છે. તેમજ માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામના બે સગા ભાઈઓ પણ ડુબ્યા હતા. જેમાંથી દીનેશપરી નામના યુવકનું મોત થયું છે. જ્યારે ચેતનપરી નામનો યુવક હાલ સારવાર હેઠળ છે.
મૃતકના નામ
હેતલબેન રમેશગીરી ભિખનગીરી મેઘનાથી, ઉવ 17, રહે. થલી તા. કેશોદ
જીતેન્દ્રગીરી રમેશગિરી મેઘનાથી ઉવ 21, રહે. થલી તા. કેશોદ
દીનેશપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 22 રહે. બુધેચા તા. માળીયા હાટીના
સારવાર હેઠળ
ચેતનપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 25, રહે. બુધેચા તા. માળીયા હાટીના