Mahashivratri Junagadh: દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્‍યાસીઓ પોતપોતાનાં રસાલા સાથે  ધર્મ ધ્વજા  અને ધર્મ દંડ સાથે ભવનાથ તિથર્ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્‍ધો, નાથયોગીઓ, ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ દતાત્રેય, ગોપીચંદ, અશ્વત્‍થામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુકભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્‍યાન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્‍યતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્‍યા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્‍ધક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્‍યા પણ ઘણી મોટી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ગુજરાત ભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્‍થાન
આ મેળામાં એક માન્‍યતા પ્રમાણે યક્ષનાં નામે સ્‍તંભારોપણ થયું એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં રોજ ભવનેશ્વર મહાદેવનાં મંદિરે ધ્‍વજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થયો છે. મહા વદી ૧૪ (ચૌદશ)ની અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્‍યાન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા અને સંત સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રૂપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો કેન્‍દ્ર સ્‍થાને છે. સ્‍કંદપુરાણ, હરિવંશ અને વિષ્‍ણુપુરાણમાં ગીરનારનું મહાત્‍મય  અને વર્ણન પ્રસિધ્‍ધ હોવાથી ગુજરાત ભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્‍થાન ધરાવે છે.


ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું અયોજન
શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું અયોજન થાય છે. 


ભવનાથ મહાદેવના મંદિરમાં અનેક કાર્યક્રમો
શિવરાત્રીની રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્‍થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્‍વીઓ, દેવીજીઓ અને નાની બાલ્‍યાવસ્‍થા વાળા મહાત્‍માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્‍વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. 


અખાડાનાં સંતો કરે છે શાહી સ્નાન
ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે. અખાડાનાં સાધુઅદનું પર્વકાળમાં પવિત્ર સ્‍નાન (શાહી સ્‍નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસે વિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્‍વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્‍નાનને પવિત્ર સ્‍નાન ( શાહી સ્‍નાન) કહે છે. 


શરીર પર ભસ્‍મ ચોપડીને હજારો સાધુ સંતો વધે છે આગળ
રવાડી (સરઘસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્‍તાત્રેય પાલખી, અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી, અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે. સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે. વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમ ભોલે નાદ સાથે શરીર પર ભસ્‍મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર, હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્‍મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર (નાગા) સાધુ સંતો હરહર મહાદેનો જયઘોષ કરે ત્‍યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ.


મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતીને મહાપુજા
નાગા શબ્દ આમ તો નગ (પર્વત) પરથી અવતરીત થયો હોય કેમ કે ગિરનારની પર્વતીય કંદરાઓમાં સાધના કરતા તપસ્વી મહાત્મા સંતો શિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન શિવની સાક્ષીએ મૃગીકુંડમાં સ્નાન કરવા પધારતા હોવાની વાત દંતકથા રૂપ કર્ણોપકર્ણ સંભળાતી હોય છે. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્‍યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે  સાધુઓ વરૂણપુજા કરે છે. અહીં અમર આત્‍માઓ સ્‍નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્‍યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્‍નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નીકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્‍ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતીને મહાપુજા થાય છે અને મેળાની પુર્ણાહુતી થાય છે.