જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતિ છતાં કોંગ્રેસનું શાસન ડોલ્યું
જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ સહિત 15 સભ્યોએ ભાજપમાં જોડાઈ જવાની કરી જાહેરાત
જૂનાગઢઃ જવાહર ચાવડાના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની સાથે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ સેજાભાઈ કરામટાએ અન્ય 14 સભ્યો સાથે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સાથે જ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને સત્તા ગુમાવાનો વારો આવશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 27 હતી જ્યારે ભાજપ પાસે માત્ર 3 બેઠક હતી. જવાહર ચાવડાએ ભાજપના પ્રવેશની સાથે જ મોટું ઓપેરશન પાર પાડતીને જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતિ હોવા છતાં પણ કોંગ્રેસનું શાસન ડોલાવી દીધું છે. 27માંથી 15 સભ્યો ભાજપમાં ભળી જતાં હવે કોંગ્રેસ પાસે માત્ર 12 સભ્યો જ બચ્યા છે. ભાજપની પાસે 3 બેઠક હતી અને કોંગ્રેસના 15 સભ્યો આવી જતાં જિલ્લા પંચાયતમાં કુલ 18 સભ્યો થઈ જતાં ભાજપના હાથમાં સત્તા આવી ગઈ છે.
નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિભાગોની ફાળવણી
શુક્રવારે જવાહર ચાવડા અચાનક કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ શનિવારે ભાજપ દ્વારા તેમને કેન્દ્રીય મંત્રીપદથી નવાજવામાં આવ્યા હતા અને રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને પ્રવાસન અને મત્સ્યોધ્યોગ વિભાગની જવાબદારી પણ સોંપી દીધી હતી. ભાજપ દ્વારા મળેલા મંત્રીપદનો બદલો જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા અપાવીને વાળી દીધો છે.