જૂનાગઢઃ વિસાવદર નજીક જંગલમાં સિંહનાં મોતની ઘટના સામે આવી છે. સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા વનતંત્રની દોડધામ શરૂ થઇ ગઇ હતી. ત્રણ વર્ષનાં સિંહનો વિસાવદરનાં જંગલમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગે કામગીરી કરી હતી. સિંહનું કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. ઘટનાને પગલે સવાર-સાંજ સિંહોનાં તમામ ગ્રુપનાં લોકેશન શોધવા તંત્રએ અધિકારીઓને આદેશ કર્યો હતો. મૃત્યુ કયાં કારણોસર થયું તેની પણ ઉચ્ચકક્ષાએ સઘન તપાસ હાથ ધરાશે. અગાઉ રાજ્યમાં 23 સિંહોનાં મોતની ઘટનાએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું હતું જેને પગલે સઘન તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે આજે વધુ એક સિંહનાં મોતની ઘટના સામે આવતા હવે તંત્ર એકશન મોડમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 સિંહોના મોત બાદ તંત્ર એક્શનમાં
ગીરના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત બાદ રાજ્ય સરકાર અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ સિંહોના રસીકરણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકાથી ખાસ રસી મંગાવવામાં આવી હતી. 


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી છે.