ગૌરવ પટેલ/અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારે શહેરને ગાંધીનગરના જેમ અમદાવાદના કાલુપુર સ્ટેશનને કરોડોના ખર્ચે ફાઈવ સ્ટાર સ્ટેશન બનાવવાનું વચન રેલવે મંત્રી તરફથી આપવામાં આવ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદને વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. આજે તેમણે જણાવ્યું હતું કે, કોરોનામાં બંધ થયેલ 97 ટકા ટ્રેન પુનઃ શરુ થઇ ગઈ છે. પેસેન્જર ટ્રેન 89 ટકા શરુ થઇ ગઈ છે. રેલવે ટ્રેક મેઈન્ટન થઇ રહ્યા હોવાથી કેટલીક ટ્રેન શરુ થઇ નથી, પરંતુ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. સરેરાશ રોજના 4 કલાક ટ્રેક મેઈન્ટેઈનના કામમાં જાય છે. ગમે એટલી તકલીફ પડે પરંતુ સુરક્ષા પર ભાર મુકવા માટે મેન્ટેનન્સ જરૂરી છે.


રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં રેલવે ટ્રેકની મજબૂતાઈ પર સતત કામ ચાલી રહ્યું છે. દેશમાં 28 હજાર કરોડના રેલવે ટ્રેક ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યા છે. મોટાભાગના ફાટક પર બ્રિજ બનાવવાનું આયોજન છે. દેશની ટોટલ માનવરહિત ફાટકો પર બ્રીજની અંદાજીત કોસ્ટ 3 લાખ 80 હજાર કરોડ થાય છે. આજે તેમને એક જાહેરાત કરતા જણાવ્યું કે, દેશમાં 9 હજાર હોર્ષ પાવરના વર્લ્ડ ક્લાસ એન્જીન દાહોદમાં બનશે.



તેમણે ઉમેર્યું હતું કે, પહેલાં ત્રણથી ચાર હજાર હોર્ષ પાવરના એન્જીન દેશમાં બનતા હતા. જ્યારે ભાવનગરમાં કન્ટેઇનરનું પ્રોજકશન ચાલુ થયું છે. જેમાં 10 હજાર કંટેઇનરનો ઓર્ડર આપ્યો છે. વડોદરાના સાવલી ખાતે બોગી બની રહી છે. પહેલાની સરકાર માત્ર જાહેરાત કરતી હતી. પરંતુ હવે તેવું નથી. હવે કામ થઈ રહ્યું છે. તેમની કામ કરવાની નિયત ન હતી. જ્યારે અમારી સરકાર કામ કરવામાં માને છે. 


અમદાવાદને મળશે વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન
મહત્વનું છે કે, અમદાવાદના રેલવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જેવુ જ અદ્યત્તન રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે. હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવાશે. જેમા ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટ હાલ વિચારણા હેઠળ છે. આજે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ગુજરાત આવ્યા હતા, ત્યારે આ વચન આપ્યું હતું. 


આ રેલવે સ્ટેશન પર જે રીતે હોટેલ કોન્સેપ્ટ છે એ પ્રકારની વિચારણા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન માટે પણ થઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનનો કેવી રીતે વિકાસ કરી શકાય તેનો પ્રોજેક્ટ પણ નિહાળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં એકમાત્ર એવી હોટેલ ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે તેને પાયલોટ પ્રોજેક્ટ બનાવી અલગ અલગ રાજ્યોમાં પણ આ જ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube