અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. સૌથી જૂના રેલવે સ્ટેશનના નવનિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આગામી ત્રણ વર્ષમાં આ નવું આધુનિક રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ જશે. આ માટે કુલ 2383 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તબક્કાવાર રીતે રેલવે સ્ટેશનનું આધુનિકિકરણ કરવામાં આવશે. આ સ્ટેશનમાં મુખ્ય બિલ્ડિંગ, પાર્સલ વિભાગ, રેલવે પ્લેટફોર્મમાં આધુનિકિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા રંગરૂપમાં જોવા મળશે કાલુપુર સ્ટેશન
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું રેલવે સ્ટેશન શહેરનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં ટ્રેનની અવર-જવર રહે છે. તેવામાં હવે આ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આગામી ત્રણ વર્ષમાં 2383 કરોડના ખર્ચે કાલુપુર સ્ટેશનનું આધુનિકિકરણ થશે. આ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. 


આ સુવિધાઓ જોવા મળશે
કાલુપુર રેલવે સ્ટેશનમાં 90 હજાર ચોરસ મીટરના મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડી બનાવવામાં આવશે. તો સાત હજાર ચોરસ ફૂટ જેટલો ખૂલ્લો વિસ્તાર પેસેન્જરની અવર-જવર માટે રાખવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં ત્રણ હજાર કાર પાર્કિંગ, ચાર કાર લિફ્ટ સહિત કુલ 21 લિફ્ટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ઉભી કરાશે. તો પાર્સલ સેવા માટે અલગ-અલગ વિભાગ બનાવવામાં આવશે.


રેલવે સ્ટેશનમાં વીજળીની જરૂરીયાત માટે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા, મુસાફરોની સલામતી માટે સીસીટીવી કેમેરા વિકસાવવામાં આવશે. એટલે કે આગામી ત્રણ વર્ષમાં અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. આ કામ જૂન 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે.