ચેતન પટેલ, સુરત: હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ હિન્દુ મહાસભાના સભ્ય કમલેશ તિવારીની 18 ઓક્ટોબર શુક્રવારના રોજ લખનઉમાં ધોળા દિવસે ધાતકી હત્યા થઈ જતા ચકચાર મચી છે. તેમનું ગળું કાપીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રશીદ, મોહસિન અને ફૈઝલની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાકાંડનું સુરત કનેક્શન અત્યંત ચોંકાવનારું સાબિત થઈ રહ્યું છે.  હિન્દુવાદી નેતા કમલેશ તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકૂ અને તમંચો છૂપાવ્યા હતાં. પોલીસે આ મામલે શુક્રવારે મોડી રાતે સુરતમાંથી 7 શંકાસ્પદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ. જેમાંથી 3 લોકોની ધરપકડ થઈ છે. સુરતની ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ દુકાનના મીઠાઈના બોક્સ પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી. આ મીઠાઈનું બોક્સ હત્યાના સ્થળેથી મળી આવ્યું હતું. એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું ગઈ કાલથી ઓપરેશન ચાલી રહ્યું હતું. આ બાજુ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પણ પોલીસે મુફ્તી નઈમ કાસમી, મૌલાના અનવારૂલ હક નામના આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવી ફૂટેજથી મળી રહી છે મહત્વની કડીઓ
પોલીસે તેમની હત્યામાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને સાથે જ તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે કમલેશની હત્યા બાદ પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યાં છે તેમાં જે બે સંદિગ્ધ યુવકો જોવા મળે છે તેમના હાથમાં મિઠાઈ અને થેલો જોવા મળી રહ્યો છે. આ મીઠાઈના થેલાથી પોલીસને મહત્વની કડીઓ મળી છે. આ થેલામાં જે મીઠાઈનો ડબ્બો હતો તે સૂરતની જાણીતી બ્રાન્ડ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સનો હતો. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ મીઠાઈના ડબ્બામાં હથિયારો છૂપાવીને લાવવામાં આવ્યાં હતાં. 


વધુ માહિતી માટે જુઓ VIDEO 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...