પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના આ શહેરમાં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈને બધો ખર્ચ ઉપાડાશે
Swaminarayan Gurukul : સુરતમાં અખાત્રીજના દિને દીકરીઓ માટે સ્વામિનારાયણ કન્યા ગુરૂકુલનું CMના હસ્તે ભૂમિપૂજન, પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ
Surat News સંદીપ વસાવા/સુરત : અખાત્રીજના પાવન દિને દીકરીઓ માટે સાકાર થનારા સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળનું ભૂમિપૂજન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું, દેશના ઈતિહાસમાં પહેલીવાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે દીકરીઓ માટેનું શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળ નિર્માણ પામશે.
દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતની ધરતી પર દીકરીઓ માટે નિર્માણ થનારા શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરૂકુળનું ભૂમિપૂજન અખાત્રીજના પાવન દિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના ઉપક્રમે રૂ.૧૨૦ થી ૧૫૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્મિત થનારા ગુરૂકુળમાં ૨૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ગુરૂકુળની વિશેષતા એ હશે કે અહીં પિતાવિહોણી દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કન્યા ગુરૂકુળનું શાસ્ત્રોક્ત વિધિ અને સંતોની વેદઋચાઓ સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કન્યા ગુરૂકુળના માધ્યમથી સનાતન સંસ્કૃતિ અને પ્રાચીન ગુરૂ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ સરાહનીય છે. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે એમ જણાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે દીકરીઓ મેડિકલ શિક્ષણ મેળવી શકે એ માટે ૧૨૮૫ દીકરીઓને MBBS ના ઉચ્ચ અભ્યાસ માટે સહાય પૂરી પાડી છે. જેમ સ્વામિનારાયણ સંપ્રદાય દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ બન્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવી ‘અફસર બિટીયા’ બની સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં સિંહફાળો આપે એ માટે અવિરત કાર્યરત છે.
આ શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડીયા, સંદિપભાઈ દેસાઈ, કાંતિભાઈ બલર, સંગીતાબેન પાટીલ, સહિત સ્વામી, મહંતો, તેમજ ઉદ્યોગકારો અને સામાજિક અગેવનાઓ ઉપસ્થિત રહ્યા હતા.