કર્ણાવતી યુનિવર્સિટીએ ભારતીય સેનાના આરટીએન સાથે કર્યા એમઓયુ
‘ભારતીય સેનાના સધર્ન કમાન્ડના આરટીએન સાથેનું આ જોડાણ આ દિશામાં લેવામાં આવેલું વધુ એક પગલું છે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની હાંકલને અનુરૂપ ઘરેલું ઉદ્યોગો માટે તકો શોધી કાઢવામાં તે મદદરૂપ થશે.
અમદાવાદ: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા સંરક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણને શક્ય બનાવવાના પોતાના મિશનમાં એક હરણફાળ ભરીને રાજ્યની ખાનગી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટીએ ભારતીય સેનાના સધર્ન કમાન્ડના રીજનલ ટેકનોલોજી નૉડ (આરટીએન) સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. મંગળવારના રોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ કેન્ટોન્મેન્ટમાં આ એમઓયુનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. કર્ણાવતી યુનિવર્સિટી એ ગાંધીનગરના ઉવારસદમાં આવેલી રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતાને સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.
પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલથી સન્માનિત સધર્ન કમાન્ડના એડીસી જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનેન્ટ જનરલ જે. એસ. નૈન; 11 ઇન્ફન્ટરી ડિવિઝનના જનરલ ઑફિસર ઇન કમાન્ડ મેજર જનરલ મોહિત વાધવા અને કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડા વચ્ચે આ એમઓયુનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
આ એમઓયુને કારણે ભારતીય સેનાની સાથે અનુકૂળ આવનારું અને લાંબાગાળાનું જોડાણ કરવાનો માર્ગ મોકળો થઈ જશે. કર્ણાવતી યુનિવર્સિટી અને તેના ઇન્ક્યુબેટરો, નવપ્રવર્તકો, ટેકનોક્રેટ્સ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને સમર્થન પૂરું પાડવા અને તેમનું સંવર્ધન કરવા માટે એક સુદ્રઢ અને અનુકૂળ આવે તેવી ઇકોસિસ્ટમની રચના કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે, જેથી કરીને સંરક્ષણલક્ષી ટેકનોલોજીઓ, ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ થઈ શકે અને તેમને માન્યતા આપી શકાય.
રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘ભારતીય સેનાના સધર્ન કમાન્ડના આરટીએન સાથેનું આ જોડાણ આ દિશામાં લેવામાં આવેલું વધુ એક પગલું છે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની હાંકલને અનુરૂપ ઘરેલું ઉદ્યોગો માટે તકો શોધી કાઢવામાં તે મદદરૂપ થશે. ગુજરાતના બીજા સંરક્ષણ ઇન્ક્યુબેટર કર્ણાવતી યુનિવર્સિટી ખાતેના કેઆઇઆઇએફ અને ડીડીટીઆઇઆઈ, સ્ટાર્ટઅપ્સ માટે સંરક્ષણના ક્ષેત્રમાં અત્યાધુનિક નવીનીકરણો લાવવામાં મદદરૂપ થઈ રહ્યાં છે. આ એમઓયુને પગલે સંરક્ષણ ક્ષેત્રોમાં રહેલા અંતરાલોને ઓળખી કાઢવામાં લાંબા સમય સુધી નવવર્તકોને મદદરૂપ થઈ શકાશે તથા તે પ્રમાણે નવી અને ઉભરી રહેલી ટેકનોલોજીનું નિર્માણ કરવા માટેનો માર્ગ મોકળો થઈ જશે.’
‘આ એમઓયુ સંરક્ષણદળો અને શૈક્ષણિક સંસ્થાની વચ્ચે એક સંવાદ અને સહભાગીદારીને પોષવામાં મદદરૂપ થશે. આ સહભાગીદારી પરિપક્વ થઈ જવાની સાથે જ વિશ્વની મહાસત્તાઓની ક્લબમાં સામેલ થવા માંગતા ભારતને સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદરૂપ થાવાના એજન્ડાને આગળ વધારી શકાશે.’
રાષ્ટ્રીય સુરક્ષાને સુદ્રઢ બનાવવામાં યોગદાન આપી શકાય તે માટે કર્ણાવતી યુનિવર્સિટી સશસ્ત્રદળો માટે વિવિધ પ્રકારના ઉપકરણો અને સિસ્ટમોની સ્વદેશી રીતે રચના કરવામાં અને વિકસાવવામાં નવપ્રવર્તકોને પ્રેરિત કરશે અને સુવિધા પૂરી પાડશે. આ ગઠબંધન સેનાના આધુનિકીકરણ માટે અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં, સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં તથા સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
સંરક્ષણદળોની વાસ્તવિક સમસ્યાઓને ઓળખવા અને તેને ઉકેલવામાં મદદરૂપ થવા કર્ણાવતી યુનિવર્સિટીએ ફરી એકવાર નવપ્રવર્તકો અને સ્ટાર્ટઅપ્સને શોધી કાઢવા માટે તેના સંસાધનોને કામે લગાડ્યાં છે. યુનિવર્સિટીએ તેની શ્રેણીબદ્ધ પહેલ મારફતે 178 સ્ટાર્ટઅપ્સ, ટેકનોક્રેટ્સ અને કંપનીઓને આમંત્રિત કર્યા હતા, આ વિવિધ પહેલમાં સમાવિષ્ટ છેઃ અમદાવાદ ડીઝાઇન વીક (ફેબ્રુઆરી, 2022), ટીડીએફ સ્કીમના સ્ક્રીનિંગને સમર્થન પૂરું પાડવું અને ડીફેન્સ ડેમો ડેનું આયોજન કરવું (જૂન, 2022). આ કાર્યક્રમો દરમિયાન 11 સ્ટાર્ટઅપ્સની પસંદગી કરવામાં આવી હતી.