ચેતન પટેલ/સુરત :જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે જ દેશભરના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે દિવસે આ કલમ હટાવાઈ તેના બાદ સોશિયલ મીડિયા પર જમીન-મકાન ખરીદવાના મેસેજ પણ ફરતા થયા હતા. સૌ કોઈ સ્વર્ગ જેવા કાશ્મીરમાં જમીન લેવાના અને પ્રોપર્ટી ખરીદવાના સપના જોઈ રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળો સુરતમાં રહેતી મૂળ કાશ્મીરી યુવતી મૃદુલ શર્માને... મૃદુલ થોડા વર્ષો પહેલા જ લગ્ન કરીને સુરત સ્થાયી થઈ હતી. રાજસ્થાનમાં જર્નાલિઝમમાં અભ્યાસ કર્યા બાદ તેણે રોનક વર્મા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે કાશ્મીરથી આવેલી મૃદુલે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પોતાની ત્યાં રહેલી જમીન વેચવા કાઢી છે. મૃદુલના માતાપિતા અને ભાઈ હજીપણ કાશ્મીરમાં રહે છે. અત્યાર સુધી કાયદાની મર્યાદા હોવાથી તેઓ ત્યાંથી જમીન બહારના કોઈપણ વ્યક્તિને વેચી શકતા ન હતા અને એ જમીન ઉપયોગ વગર એમ જ પડી રહી હતી. મૃદુલ વર્મા સુરતમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેનો પરિવાર કાશ્મીરના ઉધમપુરમાં રહે છે. મૃદુલના દાદા દ્વારા કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદાઈ હતી. પણ કાયદા પ્રમાણે તેની ખાસ ઉપજ નહોતી. જોકે મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના હાસ્યાત્મ મેસેજ ફરતા થયા હતા. જોકે મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને કાશ્મીરમાં રહેતા તેના માતાપિતા સાથે વાત કરી હતી. મૃદુલે જમીન વેચવા માટે વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કર્યો છે, જેથી તે સોશિયલ મીડિયા દ્વારા વધુ લોકો સુધી પહોંચી શકે.



મૃદુલ કાશ્મીરના ઉધમપુરના પંચેરીમાં જમીન ધરાવે છે. જમ્મુ કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે. 1 મરલ્લા એટલે 270 સ્કેવર ફૂટ અને 1 મરલ્લાની કિંમત અંદાજે 4 થી 5 લાખ થાય છે. પણ હવે આ કિંમતમાં ઉછાળો આવ્યો છે. તેમની પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે. પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે. અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ બરફવર્ષા થાય છે અને બાકીના 10 મહિના અહીં આહલાદક વાતાવરણ રહે છે. આ જમીન ઉપજાઉ છે. તે જમ્મુથી 90 કિમી દૂર અને ઉધમપુરથી 40 કિમી દૂર છે. આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીં આર્મીનો બેઝ કેમ્પ આવેલો છે. તેથી અહીં સુરક્ષા પણ સારી છે. પંચેરીના પહાડી વિસ્તારમાં બદામ અને ચેરી પણ મોટા પ્રમાણમાં મળી આવે છે.



પોતાના આ નિર્ણય વિશે મૃદુલ શર્મા કહે છે કે, કલમ 370 હટવાથી હું અને મારા પતિ બહુ જ ખુશ છે. પણ અમને કાશ્મીરના સ્થાનિકોની રોજગારી છીનવાઈ જવાનો ભય પણ છે. જોકે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના વિકાસ માટે પાંચ વર્ષની માંગણી કરી છે. જેથી અમારો પરિવાર સરકાર માટે આશાસ્પદ છે કે સરકાર અહીં રોજગારીની તકો વધુ ઉભી કરીને લોકોનો સર્વાંગી વિકાસ કરશે.


કાશ્મીર એ પૃથ્વીનું સ્વર્ગ મનાય છે. તેવામાં લોકો ચંદ્ર પર જમીન ખરીદીને રહેવા તો જઈ નથી શકતા, પણ કલમ 370 નાબૂદ થયા બાદ લોકોનું સ્વર્ગમાં જમીન ખરીદવાનું અને શાંતિથી રહેવાનું સપનું જરૂરથી સાકાર કરી શકે છે. આ કલમ હટ્યા બાદ કાશ્મીરમાં નવો વિકાસ જોવા મળશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :