ગાંધીનગર: રાજ્યમાં ચાલતાં ખેતીની જમીનની રી-સર્વે અને પ્રમોલગેશનના પ્રોજેક્ટમાં જે ગામોમાં ખેતીની જમીનની માપણી પુરી થયેલી છે અને હજુ સુધી પ્રમોલગેશન થયેલ નથી તેવા ગામોનું અત્યારે પ્રમોલગેશન સ્થગિત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. રી-સર્વે માપણીમાં પ્રમોલગેશનની નોટીસ ઈસ્યુ થવાને કારણે ઈ-ધરામાં હક્કપત્રકે ફેરફાર નોંધ પડતી ન હતી એટલે કે લોક થઈ જતી હતી તે હવે લોક દુર કરી હક્કપત્રકે નોંધ પાડી ફેરફારો કરવાની કામગીરી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મહેસૂલ મંત્રી કોશિક પટેલે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોશિક પટેલે ઉમેર્યું હતું કે, ખેડૂતોનું હિત જળવાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ખેતીની જમીનની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીના નિકાલ માટે ખેડૂતોને સાથે રાખી પારદર્શી રીતે ચોક્કસાઈથી અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પુનઃ માપણી કરી વાંધા અરજીનો નિકાલ કરવા ખેડૂતલક્ષી અને ખેડૂતોના ખેતીની જમીનના રેકર્ડ જાળવણી અને માલિકી હક્કો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.


ખેતીની જમીનની રી-સર્વેની માપણીમાં માપણી કરનાર એજન્સીની નિષ્કાળજીને કારણે જે ક્ષતિઓ જણાયેલ છે તેવા કિસ્સામાં સંબંધિત માપણી કરનાર એજન્સીઓ સામે રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં ભરશે.